નવી દિલ્હીઃ પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતોને લઈને એકબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર કોઈ નક્કર નિર્ણય લઈ રહી નથી. એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવાના કોઈ સંકેત આપી રહી નથી ત્યારે બીજી બાજુ વિપક્ષ દ્વારા આને જારદાર રીતે ચગાવવાની તૈયારી કરવામાં આવી છે.
વધતી જતી કિંમતોને લઈને રાહત ન મળવાની સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર સામે ભારત બંધની હાકલ કરી દીધી છે. ૧૦મી સપ્ટેમ્બરના દિવસે કોંગ્રેસ પાર્ટી ભારત બંધ રાખશે. આ પ્રદર્શન સવારે નવ વાગે શરૂ થશે અને ત્રણ વાગ્યા સુધી ચાલશે. સામાન્ય લોકોને તકલીફ ન થાય તે હેતુસર આનું આયોજન કરવામાં આવ્યું છે.
કોંગ્રેસ પાર્ટીએ અન્ય વિરોધ પક્ષો, સામાજિક સંગઠનો અને સામાજિક કાર્યકરોને પણ અપીલ કરી છે અને ભારત બંધમાં સામેલ થવા માટે કહ્યું છે. ભારત બંધની અસર હેઠળ કેન્દ્ર ઉપર વધુ દબાણ આવશે.