અમદાવાદ : શહેરના નિકોલ વિસ્તારમાં સાવલિયા પરિવાર દ્વારા તા.૧૨ થી ૧૮ ફેબ્રુઆરી દરમ્યાન શ્રીમદ્દ ભાગવત સપ્તાહ પ્રેમયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જ્ઞાનયજ્ઞનો લ્હાવો લઇ રહ્યાં છે. વ્યાસપીઠ ઉપર શ્રીમદ ભાગવત, શિવપુરાણ અને દેવભાગવતના પ્રસિધ્ધ વકતા પૂજ્ય જીજ્ઞેશ દાદા સંગીતમય કથાનું રસપાન કરાવી રહ્યા છે. તા.૧૨મી ફેબ્રુઆરીથી પ્રારંભ થયેલી આ કથા પ્રસંગની પોથીયાત્રામાં માનવ મહેરામણ ઉમટયો હતો, જયારે તા.૧૮મી ફેબ્રુઆરીએ કથાનું સમાપન થશે.
શહેરના નિકોલ વિસ્તારમાં એસ.પી.રીંગરોડ પર રાધે પાર્ટી પ્લોટ પાસે એચ.સાવલિયા હાઉસની સામે વિશાળ મેદાનમાં આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ પ્રેમયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૨મી ફેબ્રુઆરીએ મંગળવારે શરૂ થયેલા ભાગવત સપ્તાહમાં સવારે ૮.૩૦ વાગ્યે ભવ્ય પોથીયાત્રા યજમાન એવા હરદાસભાઇ સાવાલિયાના નિવાસસ્થાનેથી જ કાઢવામાં આવી હતી, જે ગંગોત્રી સર્કલ પાસેથી પસાર થઇ કથા સ્થળે પહોંચી હતી. આ પોથીયાત્રામાં પટેલ સમાજના તમામ અગ્રણીઓ તેમજ સાવલિયા સમાજના તમામ પરિવારો ખૂબ જ ઉત્સાહથી ભક્તિભાવપૂર્વક જોડાયા હતા, દ્વારિકાનો નાથ મારો રાજ રણછોડ છે તેણે મને માયા લગાડી રે… તેવા ભક્તિ ગીતો સાથે ભવ્ય પોથીયાત્રા કથા સ્થળે આવી પહોંચી હતી. આ પોથીયાત્રામાં સંતો-મહંતોમાં પૂ.પા.ગો.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી, જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલિપદાસજી મહારાજ, ભોજલધામના મહંતશ્રી ભક્તિરામ બાપુ, ખોડિયારધામ નેસડીના પ.પૂ.શ્રી લવજી ભગત, સાયલાના શ્રી દુર્ગાદાસ બાપુ, બગસરાના શ્રીજેરામબાપુ, સોનારડાના શ્રી શંકરમહારાજ અને ટેબલી આશ્રમના મહંતશ્રી રોકડીયા બાપુ તથા અન્ય ગુરૂજનો ઉપસ્થિત રહી કથાને ભક્તિમય બનાવી દીધી હતી. કથા દરમ્યાન શ્રી નૃસિંહ પ્રાગટય, શ્રી વામન અવતાર, શ્રી રામઅવતાર, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, શ્રી ગોવર્ધન મહોત્સવ, શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ કથાના પાવન પ્રસંગો રજુ થશે.
આવા ભગીરથ કાર્યમાં કથાના પ્રમુખ યજમાન શ્રી નાગજીભાઇ મનજીભાઇ સાવલિયા, અ.સૌ.કાશીબેન નાગજીભાઇ સાવલિયા, અ.સૌ.જયોત્સનાબેન હરદાસભાઇ સાવલિયા, શ્રી હિરેનભાઇ હરદાસભાઇ સાવલિયા, અ.સૌ.નિકિતાબેન હિરેનભાઇ સાવલિયા, ચિ.હ્રિધાન હિરેનભાઇ સાવલિયા (યુએસએ) તથા સાવલિયા પરિવાર દ્વારા નિકોલ ખાતે ભાગવત સપ્તાહરૂપી આ ધાર્મિક મહાયજ્ઞ શરૂ થઇ ગયો છે. કથાનો સમય દરરોજ બપોરે ૨.૪૫થી સાંજના ૭.૦૦ કલાક સુધીનો રહેશે. રાત્રે કલા પ્રસ્તુતિમાં તા.૧૩મી ફેબ્રુઆરીના બુધવારે રાત્રે ૯ ક્લાકે હાસ્ય દરબાર શ્રી સાંઇરામ દવે દ્વારા યોજાયો હતો. જ્યારે આવતીકાલે તા.૧૬મી ફેબ્રુઆરીના શનિવારે રાત્રે ૯ કલાકે શ્રી નાથજીની ઝાંખીઃ ઠાકોરથી પધાર્યા મારે ઘેર, ભૂપેંદ્ર ખખ્ખર દિગદર્શિત શ્રી નિધિ ધોળકિયા તથા નિતિન દેવકા તથા અમી ગોસાઇ તથા તેજસ સીસાગીયાના સુર સથવારે રહેશે, જ્યારે છેલ્લા દિવસના આગલી રાત્રે તા.૧૭મી ફેબ્રુઆરીના રવિવારે રાત્રે લોક સાગરના મોતી… શ્રી જીતુદાન દઢવી તથા શ્રી ઉર્વશી રાદડીયા તથા ડો.રણજીત વાંક લોકોને કલાનું રસપાન કરાવશે. જેનો લાભ સગા-સ્નેહીજનોને પધારવા યજમાન પરિવાર દ્વારા સૌને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.