ભગવાન જે કરે તે સારા માટે
હું હરિનો, હરિ છે મુજ રક્ષક, એહ ભરોસો જાય નહી;
હરિ કરશે તે મુજ હિતનું, એ નિશ્વય બદલાય નહીં.
આ અર્થ ગંભીર પંક્તિના આટલા શબ્દો આપણા જીવનમાં ઉતરી જાય તો ભગવાનનું કાર્ય સદાય મંગળમય જ આપણને લાગે. અરે! ગમે તેવા વિષમ દેખાતા સંજોગોમાં આપણી શ્રધ્દ્વા વિશ્વાસ ડગે નહિ. ભગવાનના પ્રત્યેક કાર્ય આપણા હિત માટે છે. એવો જ્યારે પાકો નિશ્વય થઇ જાય તો ત્યાર પછી દુ:ખ જેવો શબ્દ આપણા માટે નિરથક બને.
આપણું જીવન ટપાલના થેલા જેવું છે. ટપાલી ટપાલના થેલા લઇને ઘરે ઘરે ફરે જેની ટપાલ હોય તેને આપવા જાય. આ ટપાલીના થેલામાં અનેક પ્રકારના કવર હોય કોઇ કબર લગ્નની કંકોત્રીનું હોય તો કોઇ કવર મરણ પત્રિકાનું હોય. કોઇ કવર નોકરી મળવાનું હોય તો કોઇ કવર નોકરીમાંથી બરતરફ થવાનું પણ હોય. આમ, અનેક કવરો ટપાલીના થેલામાં આવે પન તે થેલો લાવનાર ટપાલી ન હર્ષ હોય ન હોય શોક.
તેમ આપણને પણ આ ટપાલીના થેલા તેની જેવું જીવન જીવવાની પ્રેરણા આપે છે કે… જીવનમાં હર્ષ અને શોક તો વારાફરતી જેમ દિવસને રાત્રિ આવે છે તેમ આવ્યા કરવાના છે.
સાકરનો ગાંગડો ગમે તેવા રંગનો હોય સફેદ પણ અને લાલ પણ, પરંતુ તે ગળ્યો તો અવશ્ય હોય જ તેમ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણને સુખ આપે કે દુ:ખ આપે પરંતુ તે સુખ કે દુ:ખ આપણા હિતમાં જ હોય આપણા સુખ માટે જ હોય છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના મૂર્ધન્ય સંત અને શ્રી સ્વામિનારાયણ ગાદીના સંસ્થાપક શ્રી મુકતજીવન સ્વામીબાપાએ આપણને આવી સમજણ કેળવાય તે માટે શાસ્ત્રો ના સાર રૂપ સૂત્ર આપ્યુ છે કે “ભગવાન રાખે તેમ રહેવું, દેખાડે તે જોવું.”
આ સૂત્ર વાંચવા સાંભળવા, બોલવામાં અને લખવામાં બહુ સરળ છે, પણ જીવનમાં ઉતારવું અતિ કઠણ છે.
એક વખત પૂનામાં પ્લેગ નો રોગ ચાલે ટપોટપ માણસ મરવા લાગે માણસ સ્મશાનેથી માણસને બાળીને ઘરે આવે ન આવે ત્યાં તો બીજું શબ તૈયાર જ હોય. આખા શહેરમાં એવું કોઇ ઘર બાકી નહિ રહેલું કે, જેમાંથી એકાદ માણસ પણ ન મર્યું હોય. લોકો તો જાણે શોકબ્ના સાગરમાં ડૂબી ગયા.
એક દિવસ લોકમાન્ય ટિળકનો દિકરો પણ આ મહા પથારીમાં જડપાયો. સવારે પ્લેગની ગાંઠ દેખાઇ અને સાંજ થતાં-થતામાં તો ખેલ ખલાસ થઇ ગયો. જેમ કોઇ મહેમાનને વળાવવા જાય એમ ટિળકે પણ પ્યારા પુત્રને અંતિમ વિદાઇ આપી.
જ્યારે સ્મશાનમાંથી સૌ ઘેર આવ્યા ત્યારે કોઇકે ટિળકને પૂછ્યું, પાટડા જેવો આપનો દિકરો ફાટી પડયો, તોય આપના મુખ પર જરાય વિકૃતિ દેખાતી નથી. એનું શું કારણ ?
ટિળકે ગંભીર બનીને જવાબ આપ્યો, ભાઇ! ગામમાં હોળી પ્રકટાવવાની હોય ત્યારે ઘેર ઘેરથી છાણા લાકડાં ઉઘરાવવામાં આવે છે. આ પ્લેગની હોળીમાં મારે છાણું તો આપવું જોઇએ ને ! એમાં વળી શોક શાનો ?
ભગવાન જ કરે સારા માટે, એ કહેવત હૈયે રાખો;
આંખ આપણી જ્યાં જયાં પડતી, દ્રષ્ટિ છે ઉપરની.
સારું ખોટું-સુખ દુ:ખ આવે, સઘળું સારા માટે;
સોંપી ભગવનાને આંખો મીંચી, દોરી જીવન ભરની.
અમદાવાદથી મુંબઇ જતી ટ્રેન કંઇ સીધી મુંબઇના પહોંચી જાય તે તો વચમાં નડિયાદ, આણંદ, ભરૂચ, વડોદરા, સુરત, વાપી આદિ સ્ટેશને ઉભી રહે તે- તે સ્ટેશનના માણસોને ઉતારતી જાય અને સ્ટેશનોથી આવતાં નવાં પેસેંજરો લેતી જાય.
તેમ ગૃહસ્થ હરિભક્તનું ઘર પણ રેલ્વેના ડબ્બા જેવું છે. તેમાં બેઠા પછી સમય આવે એટલે કેટલાક ઉતરતા જાય અને કેટલાક નવા આવતા જાય એટલે મૃત્યુનો સમય આવે એટલે નાના હોય કે મોટા હોય તે જતા જાય અને નવાનો જન્મ થતો જાય એટલે આવતા જાય, પરંતુ કોઇ છેક સુધી રહેતું નથી માટે સમજણ દ્રઢ રાખવી કે રેલ્વેના ડબ્બા જેવું આપણું ઘર છે. આ પ્રકારનો ટિળકનો જવાબ સાંભળીને, પેલા ભાઇ તેમને મનોમન વંદી રહ્યા. સંસારમાં રહી સદાય સુખી રહેવું હોય તો સુખમાં અને દુ:ખમાં સમતુલા જાળવવાની કળા શીખવી જ પડશે.
જેને શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલું સુખ પણ ગમે અને દુ:ખ પણ ગમે એ સ્થિર ચિત્તવાળો માનવી કહેવાય. સુખ આવે તોય આનંદથી વધાવી લેવું અને દુ:ખ આવે તોય આનંદથી વધાવી લેવું.
ભગવાનના સાચા સંતો અને ભક્તો પણ ભગવાનની આ અદભૂત માયામાં કદી મોહ નથી પામતા, કારણ કે એ દિલથી એમ સમજે છે કે, ભગવાન પોતાના અશ્રિતોનું કયારેય કરે જ નહિ.
ભક્તો હરિ તણી લીલા સમજે સંસારને રે;
સારું યા ખોટું દેખાય,
સુખ– દુ:ખ આવે અને જાય,
ઇચ્છા ઇશ્વરની મનાય.
અર્થાત તાત્પર્ય એ છે કે, ભગવાન રાખે તેમ રહેવું, દેખાડે તે જોવું, એ સૂત્રને આપણા જીવનમાં ઉતારીએ અને સુખ તથા દુ:ખની પરિસ્થિતિમાં સમભાવ કેળવીએ.
– શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી કુમકુમ