પ્રયાગરાજ : સંઘના વડા મોહન ભાગવતે સબરીમાલા મંદિરમાં પ્રતિબંધિત વયની મહિલાઓના પ્રવેશના મુદ્દે આજે કહ્યું હતું કે, હિન્દુઓની ભાવનાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું નથી. તેમણે કહ્યું હતું કે, કોર્ટે ચુકાદો તો આપી દીધો છે પરંતુ આના કારણે કરોડો હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચી છે. તેમના સન્માનને અસર થઇ છે. હિન્દુઓની ભાવનાનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. મહિલાઓ મંદિરમાં પ્રવેશ કરવા ઇચ્છુક નથી પરંતુ શ્રીલંકાથી લાવીને તેમને પાછલા બારણેથી પ્રવેશ કરાવવામાં આવે છે. હિન્દુ ધર્મને ઠેસ પહોંચાડવા માટે કાવતરા ઘડવામાં આવી રહ્યા છે.
ભાગવતે કહ્યું હતું કે, કોર્ટે કહ્યું છે કે, મહિલા જા પ્રવેશ કરવા માંગે છે તો પ્રવેશ કરવાની મંજુરી મળવી જાઇએ. જા કોઇને રોકવામાં આવે છે તો તેને સુરક્ષા આપીને દર્શન કરવાની તક આપવામાં આવે છે પરંતુ આને લઇને ભારે હોબાળો થયેલો છે. ભાગવતે કહ્યું હતું કે, ભારતમાં હિન્દુઓની સામે કાવતરા ઘડવામાં આવી રહ્યા છે. ધર્મ સંસદમાં ભાગવતે કહ્યું હતું કે, ભારત તેરે ટુકડે હોંગે, ઇન્સાઅલ્લાહ બોલનારની સાથે મળીને અમારા સમાજમાં મહિલા અને પુરુષમાં ભેદભાવની વાત ફેલાવવામાં આવી રહી છે.
રાજકીય વિવાદના કારણે સમાજને તોડવાના પ્રયાસ થઇ રહ્યા છે. નામનો ઉલ્લેખ કર્યા વગર કેરળ સરકારની ઝાટકણી કાઢતા મોહન ભાગવતે કહ્યું હતું કે, એવા સંગઠન છે જે દેશને તોડવાના પ્રયાસ કરી રહ્યા છે. બંધારણની અવગણના કરીને એક સંપ્રદાયના પ્રભુત્વની જાહેરાત થઇ રહી છે. કેરળમાં હિન્દુ સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે. ૧૫ લોકોની બલિદાન થયું છે. અયપ્પા માત્ર કેરળના હિન્દુઓના ભગવાન નથી પરંતુ તમામ હિન્દુઓના ભગવાન છે. આ આંદોલનમાં સમગ્ર હિન્દુ સમાજ સામેલ છે.