અમદાવાદ : ભગાભાઇ બારડના સમર્થનમાં આહીર સમાજ તા.૧૭મી માર્ચે વેરાવળમાં વિશાળ શકિત સંમેલન યોજશે. આજે જૂનાગઢ ખાતે આહીર સમાજના અગ્રણીઓની મળેલી મહત્વની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બીજીબાજુ, વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ આજે તાલાલા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઇ બારડને સસ્પેન્ડ કરવાના મુદ્દે ગુજરાત વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરી હતી અને તેમનો નિર્ણય પરત ખેંચવાની ઉગ્ર માંગણી કરી હતી. વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભા અધ્યક્ષની ઓફિસની બહાર ધરણાં પ્રદર્શન પણ યોજવામાં આવ્યા હતા. વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ તાલાલા બેઠકની ચૂંટણી પંચ દ્વારા ઉતાવળે જાહેર કરી દેવાયેલી પેટા ચૂંટણીને લઇને પણ ઉગ્ર વિરોધ વ્યકત કર્યો હતો. વિપક્ષના ધારાસભ્યો ભગાભાઇ બારડ સામે થયેલી કાર્યવાહી પક્ષપાતી, મનસ્વી અને કિન્નાખોરી રાખી કરાઇ હોવાના ગંભીર આરોપ લગાવી રહ્યા છે.
બીજીબાજુ, ભગાભાઇ બારડે નીચલી કોર્ટ દ્વારા વિધાનસભા અધ્યક્ષના તેમને સસ્પેન્ડ કરવાના અને ચૂંટણી પંચ દ્વારા તાલાલા બેઠકની પેટા ચૂંટણી જાહેર કરવાના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. તો બીજીબાજુ, રાજય સરકારે પણ ભગાભાઇ બારડને સજા ફટકારતા હુકમ સામે વેરાવળ સેશન્સ કોર્ટે સ્ટે આપતાં તે હુકમને પણ હાઇકોર્ટમાં પડકાર્યો છે. આમ, બંને પક્ષની અરજીઓ પર મહત્વની સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સૂત્રાપાડા કોર્ટે ખનીજ ચોરી કેસમાં આરોપી કોંગી ધારાસભ્ય ભગવાનભાઇ બારડને બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારતાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ધારાસભ્ય ભગવાનભાઇ બારડને સસ્પેન્ડ કરી દેવાયા હતા. બીજીબાજુ, કોંગ્રેસે શાસક પક્ષ ભાજપ અને વિધાનસભા અધ્યક્ષ પર કિન્નાખોરી અને રાગદ્વેષનો આક્ષેપ કર્યો હતો.
સને ૧૯૯૫માં સરકારી ગૌચર જમીનમાંથી ૨.૮૩ કરોડની ખનીજ ચોરીના ચકચારભર્યા કેસમાં સૂત્રાપાડા કોર્ટે ચુકાદો જાહેર કરી ધારાસભ્ય ભગવાન બારડને બે વર્ષ અને નવ મહિનાની સખત કેદની સજા ફટકારી હતી. જેને પગલે રાજકીય વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૯૫માં સુત્રાપાડાની સરકારી ગોચર જમીનમાંથી ૨.૮૩ કરોડની ખનીજ ચોરીના ચકચારભર્યા પ્રકરણમાં કોંગી ધારાસભ્ય ભગવાન બારડ સહિતના સંબંધિત લોકો સામે આઈપીસી-૩૭૯ અને ૪૨૦ મુજબ ગુનો નોંધાયો હતો. જે ગુનામાં ગત તા.૧-૩-૧૯ના રોજ સુત્રાપાડાની જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ૨ વર્ષ ૯ મહિનાની સજા ફટકારી હતી. આમ કોંગી ધારાસભ્યને સજા મળતા કોંગ્રેસમાં પણ ચુકાદાને લઇ ઘેરા પ્રત્યાઘાત સામે આવ્યા હતા. તો હવે ભગાભાઇ બારડના સમર્થનમાં સમગ્ર આહીર સમાજ આગળ આવ્યો છે. આજે જૂનાગઢ ખાતે આહીર સમાજની બહુ મહત્વની બેઠક મળી હતી, જેમાં ભગવાન બારડના સમર્થનમાં તા.૧૭મી માર્ચે વેરાવળ ખાતે આહીર સમાજનું વિશાળ શકિત સંમેલન યોજવાની મોટી જાહેરાત કરવામાં આવી છે.