અમદાવાદ : થોડા દિવસો પહેલાં જ ચર્ચાનું કેન્દ્ર બનેલું ભાડજનું હરે કુષ્ણ મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. ધર્મ અને આધ્યાત્મિકના નામે યુવાનોના માઈન્ડ વોશ કરી રહ્યાં હોવાનો વધુ એક પરિવારે આક્ષેપ કર્યો છે. મૂળ ઝારખંડના ગયા જિલ્લાના પ્રશાંત સિંહના પરિવારે આક્ષેપ કર્યો છે કે, તેમના દીકરાનું બ્રેન વોશ કરીને હરે કૃષ્ણ મંદિરના લોકોએ તેમને પરિવારથી દૂર કરી દીધા છે. પ્રશાંતની બહેન પ્રીતિએ ખુલાસો કર્યો છે ક, હરે કૃષ્ણ મંદિરના સંતોએ તેનું પણ બ્રેન વોશ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે તેમની ચુંગલમાં ફસાઈ નહીં પરંતુ તેનો ભાઈ ફસાઈ ગયો.
આજે આ પરિવાર પોતાના એકના એક દીકરાને પરત મેળવવા આજીજી કરી રહ્યો છે. જ્યારે એક બહેને પોતાના ભાઈને પરત મેળવવા સોશિયલ મીડિયાની મદદ માંગી છે. પોતાના દીકરા પર ગર્વ કરનારી મા હવે રડી રહી છે. કારણ કે તેનો લાડકવાયો તેનાથી દૂર થઈ ગયો. ભગવાને આપેલા દીકરાને ભગવાનના નામે કોઈ બ્રેન વોશ કરી લેતા પરિવારમાં રોષ વ્યાપી ગયો છે. પ્રશાંતના પિતા એલ.કે.સિંહ એરફોર્સમા વીંગ ઓફિસર છે. વર્ષ-૨૦૧૪માં તેમની બદલી થતા તેઓ પરિવાર સાથે અમદાવાદ આવ્યા હતા. પ્રીતિ અને પ્રશાંત અમદાવાદની કોલેજમા એડમીશન લીધું હતું.
ત્યારે ભાડજના હરે કુષ્ણ મંદિરના લોકો કોલેજમા આવીને યુવાનોને ધર્મના નામે સમજાવતા હતા. જેનાથી પ્રભાવિત થઈ તેમનો દીકરો જતો રહ્યો હતો. ધર્મેશ, દિશાંત અને હવે પ્રશાંતનો પરિવાર દીકરાને પરત મેળવવા વલખા મારી રહ્યાં છે. દીકરો માતા- પિતાને ગુમ થઈ જવાની ધમકી આપી રહ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે છેલ્લા ૪ વર્ષમા ૫૦થી વધુ યુવાનોના બ્રેન વોશ કર્યા છે. તો સવાલ ઉઠે છે કે ખરેખર યુવાનોના બ્રેન વોશ થાય છે. પરિવારની પીડા દીકરાને છોડવાની છે કે આ કોઈ ષડયંત્ર છે. આ મામલે પરિવારે હવે પોલીસની મદદને લઈને કાર્યવાહી શરૂ કરી છે. ભકતજનોમાં આ સમગ્ર મામલે આંતરિક ચર્ચા શરૂ થઇ છે.