BFF એટલે બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર. તમારી દરેક પોસ્ટને સૌથી પહેલા લાઈક કરે તે તમારો બેસ્ટ ફ્રેન્ડ, તમારા દરેક બ્રેકઅપ અને લવ અફેરને જેની સાથે શેર કરી શકો તે તમારો બેસ્ટ ફ્રેન્ડ, જેની સાથે કોલેજ કે ઓફિસ છૂટ્યા પછી કલાકો ઉભા રહીને ગપ્પા મારી શકો તે તમારો બેસ્ટ ફ્રેન્ડ….જો આ તમામને તમે બેસ્ટ ફ્રેન્ડ માનતા હોવ તો હજી કંઈક ખૂટે છે.
બેસ્ટ ફ્રેન્ડ ફોરએવરની વ્યાખ્યા ખૂબ જ વિશાળ અને ગંભીર છે. જે તમારી દરેક સફળતામાં પીઠ છાવરે તે તમારા મા-બાપ. જે તમારી દરેક ભૂલો પર તમને સાચવીને માર્ગદર્શન બતાવે તે તમારા જીવનસાથી….પરંતુ જે તમારી સાથે દરેક મુસિબતનાં ખાડામાં પડવા રાજીખુશીથી તૈયાર થઈ જાય તે તમારા બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર. જે તમારા બીએફએફ હોય તે તમને પહેલા ચેતવે કે જો મિત્ર તુ જે કરવા જઈ રહ્યો છે તેમાં તુ ભરાઈ જઈશ….પછી તમને સમજાવે….તો પણ તમે ન માન્યા તો તમને એકલા મૂકીને આગળ નહીં વધે….તમારો હાથ પકડશે અને તમારી સાથે મુસિબતનાં ખાડામાં હાથ પકડીને કૂદી પડશે. તમારી દરેક સ્ટ્રગલમાં તમારી સાથે રહેશે અને ધીમે રહીને તમને તે પરિસ્થિતિમાંથી બહાર કાઢશે…..પછી આખી ઘટનામાંથી બહાર આવ્યા બાદ તેમાંથી કેવા બચ્યાં નહીં….એવા આશ્ચર્યની ખુશી સાથે પાર્ટી કરાવશે.
અન્ય તમામ સંબંધોને તમે ક્યારેક ને ક્યારેક સાચવ્યા હશે, પરંતુ બીએફએફ એક એવો સંબંધ છે જેને સાચવવો નથી પડતો. તમારી આસપાસ તમારી સેલ્ફીને સજાવી શકે, તમારી પાર્ટીની શાન વધારી શકે તેવા મિત્રો હજારો મળી શકે, પરંતુ દસ વર્ષ પછી પણ તમારી અંગત વાતો તેનાં હદયમાં દબાવીને તમને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે તેવા મિત્રો એટલે બીએફએફ.
તમારા આંખમાંથી જ્યારે આંસૂનું એક ટીપુ પડવાનું હોય અને આવીને તેની હથેળીમાં લઈ લે તે બીએફએફ. આજકાલ લોકોને એવા બીએફએફ જોઈએ છે જે તેમની આસપાસ રહે અને એવી જ વાતો કરે જે તેનાં મિત્રને પસંદ હોય. તેવા મિત્રો ઉપરછલ્લી રીતે તો સારા લાગે પણ તમારા જીવનની લાઈફલાઈન માટે તે જીવાદોરી નહીં બની શકે. તમારા સર્કલમાં એવા મિત્રો પણ હશે જે તમને મોઢે કડવુ બોલી જતા હશે. તમને જીવનનો અરીસો બતાવી જતા હશે. સમજીને વિચારશો તો આ મિત્રો જ તમારા માટે ગુણકારી બનશે. હવે એ તમારે વિચારવાનું તમારી પાસે કેવા બીએફએફ છે…અને તમને કેવા બીએફએફ પસંદ છે?
-પ્રકૃતિ ઠાકર