‘બેટી બચાવો બેટી પઢાવો’ના સ્ટીકર લગાવવાની લાલચ આપી આચરવામાં આવ્યું કરોડોનું કૌભાંડ  

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ગુજરાત સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટીયાના જણાવ્યા મુજબ મહિલા અને બાળ કલ્યાણ વિકાસ દ્વારા ચાલતી ‘બેટી બચાવો અને બેટી પઢાવો યોજના’ના બહાને લોકો પાસેથી રૃપિયા પડાવીને ઠગાઇ કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી.અમદાવાદની પટેલ એન્ટર પ્રાઇઝ નામની સંસ્થા ખોલીને રમેશ પટેલે ૩૦૦૦ લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપીડી કરી છે. જેમાં ગ્રાહકોને ૧૦ ટકા ડાઉન પેમેન્ટ ભરવાથી કાર આપીને બાકીના હપ્તા પોતે ભરશે તેવી લાલચ આપવામાં આવતી હતી અને પાંચ વર્ષ સુધી કાર પર સ્ટીકર લગાડીને ફેરવાની પણ જાહેરાત કરાઇ હતી.

પોલીસે રમેશ મણીલાલ પટેલની કઠવાડા જીઆઇડીસી ચાર રસ્તા પાસે આદેશ્વર ગોલ્ડ કોમ્પલેક્ષમાં પટેલ એન્ટર પ્રાઇઝ કંપની રેઇડ કરી હતી. અને ગુનાને લગતા દસ્તાવેજ કબજે કર્યા હતા. આ સ્કીમ હેઠળ ૩૦૦૦ જેટલા ગ્રાહકો પાસેથી નાણાં ઉઘરાવ્યા હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત પોલીસ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા. પોલીસ તપાસમાં સરકાર દ્વારા કોઇપણ ખાનગી સંસ્થાને ‘બેટી બચાવો બેટી પઢાવો’ની જાહેરાતનું કામ સોપવામાં આવેલ ન હતું. કોઇપણ સંસ્થા સાથે MOU થયેલું નથી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article