On This Day In Cricket Records: ક્રિકેટ મેદાન પર આજથી 10 વર્ષ પહેલા એટલે કે 3 જાન્યુઆરી, 2026ના રોજ એવું કારનામું થયું હતુ. જે કામ ફરી કરવું એટલું સરળ નથી. ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી એશેઝ સીરિઝમાં ભલે હાલ ઇંગ્લેન્ડની ટીમ સંક્ટમાં છે, પરંતુ 10 વર્ષ પહેલા સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે કરિશ્માઈ ઇનિંગ રમીને, ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો. તેણે ટેસ્ટ ક્રિકેટ વનડે અંદાજમાં રમતા 130.30ની સ્ટ્રાઇક રેટથી 198 બોલમાં 258 રન બનાવ્યાં હતા. 2-6 જાન્યુઆરી વચ્ચે કેપ ટાઉનમાં રમાયેલી મેચમાં બોલર્સ ત્રાહિમામ પોકારી ગયા હતા.
ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી આ ટેસ્ટ મેચમાં બેન સ્ટોક્સ અને વિકેટકીપર જોની બેયરસ્ટો વચ્ચે રેકોર્ડતોડ 399 રનની ભાગીદારી થઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં છઠ્ઠી વિકેટ માટેનો આ રેકોર્ડ આજે પણ અતૂટ છે અને હજી સુધી આથી મોટી ભાગીદારી થઈ નથી. આ મેચમાં સ્ટોક્સે 258 રન બનાવ્યા હતા, જ્યારે બેયરસ્ટોએ નોટઆઉટ 150 રનની ઇનિંગ્સ રમી હતી.
સ્ટોક્સ–બેયરસ્ટો વચ્ચે 399 રનની ભાગીદારી
કેપટાઉનમાં રમાયેલા આ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 223 રનના સ્કોર પર ઇંગ્લેન્ડની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી, પરંતુ ત્યારબાદ જે બન્યું તેણે માત્ર સાઉથ આફ્રિકા નહીં પરંતુ આખા ક્રિકેટ જગતને હચમચાવી દીધું.
બેન સ્ટોક્સ અને જોની બેયરસ્ટોએ ક્રીજ પર પાયો મજબૂત કરી દીધો, જેને મોર્ને મોર્કેલ, ક્રિસ મોરિસ અને કાગિસો રબાડા જેવા ધુરંધર બોલરો પણ તોડી શક્યા નહીં. રનોની એવી સુનામી આવી કે પ્રોટિયાઝ માટે તેને રોકવી અશક્ય બની ગઈ. સ્ટોક્સ–બેયરસ્ટોની જોડીએ 399 રનની અદ્ભુત ભાગીદારી કરી.
આ સાથે જ બંનેએ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન કેન વિલિયમસન અને બીજે વોટલિંગનો રેકોર્ડ તોડી નાખ્યો હતો, જેમણે છઠ્ઠા વિકેટ માટે 365 રનની ભાગીદારી કરી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં છઠ્ઠા વિકેટ માટે સૌથી વધુ રનની પાર્ટનરશીપ
બેન સ્ટોક્સ – જોની બેયરસ્ટો: 399 રન vs સાઉથ આફ્રિકા, 2016
કેન વિલિયમસન – બીજે વોટલિંગ: 365 રન vs શ્રીલંકા, 2015
બ્રેન્ડન મેકલમ – બીજે વોટલિંગ: 352 રન vs ભારત, 2014
મહેલા જયવર્ધને – પ્રસન્ના જયવર્ધને: 351 રન vs ભારત, 2009
જેક ફિંગલ્ટન – ડોન બ્રેડમેન: 346 રન vs ઇંગ્લેન્ડ, 1937
બેન સ્ટોક્સની કરિશ્માઈ ઇનિંગ્સ
સાઉથ આફ્રિકા સામેના આ મેચમાં બેન સ્ટોક્સે એવી તોફાની ઇનિંગ્સ રમી હતી કે આજે પણ તેને યાદ કરતા સાઉથ આફ્રિકન ટીમના ઘા તાજા થઈ જાય. 258 રનની ઇનિંગ્સ દરમિયાન તેમણે 30 ચોગ્ગા અને 11 છક્કા ફટકાર્યા હતા. તેઓ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં બીજા સૌથી ઝડપી ડબલ સદી ફટકારનાર ખેલાડી બન્યા હતા.
આશ્ચર્યજનક વાત એ છે કે બેન સ્ટોક્સે પોતાના 258 રનમાંમાંથી 130 રન માત્ર એક જ સેશનમાં બનાવ્યા હતા.
