નવીદિલ્હીઃ એમેઝોનના સ્થાપક જેફ બેજોસની સંપત્તિ વધીને ૧૦ લાખ કરોડ રૂપિયા અથવા તો ૧૫૦ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. આની સાથે જ તેઓ આધુનિક ઇતિહાસમાં સૌથી અમીર બિઝનેસમેન બની ગયા છે.
એમેઝોનના શેરમાં સોમવારે ૦.૫ ટકાનો વધારો થયો હતો. આની સાથે જ શેરની કિંમત ૧૮૨૨.૪૯ ડોલર થઇ ગઇ હતી. કારોબારી સેશન દરમિયાન શેરની કિંમત એક વખતે ૧૮૪૧.૯૫ ડોલર સુધી પહોંચી હતી. કંપનીના સૌથી મોટા શેર ધારક હોવાથી બેજાસની સંપત્તિમાં અતિ ઝડપથી વધારો થયો અને તેમની સંપત્તિ વધી ગઈ છે. તેમની પાસે કંપનીના ૧૬ ટકાથી વધુ શેર છે.
બ્લુમ્બર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ માઇક્રોસોફ્ટના સહસ્થાપિક બિલ ગેટ્સ બીજા સૌથી અમીર વ્યક્તિ છે. બિલગેટ્સની સંપત્તિ ૬.૫૧ લાખ કરોડ રૂપિયા અથવા તો ૯૫.૩ અબજ ડોલર છે. બ્લુમ્બર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૧૯૮૨માં ફોર્બ્સ દ્વારા વિશ્વના સૌથી અમીર લોકોના નામ જાહેર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ૧૯૯૯માં બિલ ગેટ્સ ૧૦૦ અબજ ડોલરની સંપત્તિ ધરાવતા સૌથી અમીર વ્યક્તિ તરીકે હતા. ડોલરની દ્રષ્ટિએ હાલમાં તે ૧૪૯ અબજ ડોલર થાય છે. બેજાસની સંપત્તિ ૧૫૦ અબજ ડોલર છે જેથી ૩૬ વર્ષમાં બેજોસ આધુનિક ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેર આ વખતે ૬૦ ટકાથી વધુ વધી ગયા છે. માર્કેટ કેપ ૮૯૦ અબજ ડોલરની આસપાસ છે. એપલ ૯૩૫ અબજ ડોલર સાથે પ્રથમ સ્થાને છે.
એક ટ્રિલિયન ડોલરની કંપની બનવાની સ્પર્ધામાં એપલ પ્રથમ સ્થાને છે પરંતુ એમેઝોન પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. એમેઝોનના પરિણામ હાલમાં જ જાહેર કરવામાં આવનાર છે.
બિલ ગેટ્સ કરતા પણ બેજાસની સંપત્તિ વધારે નોંધાઈઃ
વિશ્વના સોથી અમિર લોકોની યાદીમાં જેફ બેજાસ હવે સૌથી આગળ નિકળી ગયા છે. તેમની સંપત્તિમાં ઉલ્લેખનીય વધારો થયો છે. આગામી દિવસોમાં તેમની સંપત્તિ હજુ વધી શકે છે. આધુનિક ઇતિહાસમાં જેફ બેજાસ સૌથી અમીર વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે. સૌથી અમીર પાંચ લોકોની યાદી નીચે મુજબ છે.
નામ / સંપત્તિ (રૂપિયામાં)
- જેફ બેજોસ (એમેઝોન) / ૧૦ લાખ કરોડ
- બિલ ગેટ્સ (માઇક્રોસોફ્ટ) / ૬ .૫૧ લાખ કરોડ
- વોરેન બફેટ (બર્કશાયર) / ૫.૬૭ લાખ કરોડ
- માર્ક ઝકરબર્ગ (ફેસબુક) / ૫.૧૧ લાખ કરોડ
- એમેનસિયો (ઇન્ડિટેક્સ) / ૨.૯૫ લાખ કરોડ