મુંબઈ: જેની ઉત્સુકતાપૂર્વક ટેલિવિઝનના ચાહકો રાહ જોઈ રહ્યા હતા તે ચર્ચાસ્પદ રિયાલીટી ટીવી શો બિગબોસ-૧૨ની આજે રંગારંગ કાર્યક્રમ વચ્ચે શરૂઆત થઇ હતી. રાત્રે ૯ વાગે હવે આનુ પ્રસારણ દરરોજ કરવામાં આવશે. તમામ લોકો આને હવે નિહાળી શકશે. આ વખતે બિગબોસમાં ભાગ લેનાર કલાકારોને લઇને છેલ્લે સસ્પેન્સની સ્થિતિ રાખવામાં આવી હતી પરંતુ આખરે લોકોના ઇંતજારનો અંત આવ્યો છે. બિગબોસ-૧૨ આ વખતે ખાસ છે. શોમાં હોસ્ટ તરીકે સલમાન ખાન ફરીએકવાર ચર્ચા જગાવનાર છે. દર વર્ષે બિગબોસ જુદા જુદા થીમ ઉપર આધારિત રહે છે. આ વખતે સિઝનની થીમ બીચ ઉપર આધારિત છે. એટલે કે બિગબોસની ૧૨મી સિઝનમાં ભાગ લેનારને આ વખતે દરિયા કિનારે રહેવાની તક મળશે.
એટલે કે, આંખની સામે ફેલાયેલા દરિયાથી લઇને પગની નીચે માટીના દર્શન થશે. બિગબોસનો સમય આ વખતે અગાઉ કરતા બદલવામાં આવ્યો છે. પહેલા બિગબોસને રાત્રે ૧૦.૩૦ વાગે દર્શાવવામાં આવતો હતો પરંતુ હવે સોમવારથી લઇને રવિવાર સુધી નવ વાગે પ્રસારિત કરવામાં આવનાર છે. ૧૨ સ્પર્ધકો વચ્ચે હવે સીધી સ્પર્ધા થશે. ૧૨ લોકો બિગબોસના ઘરમાં પ્રવેશ કરી ગયા છે જે પૈકી પાંચ કપલ, પાંચ સોલો કોમનમેન, છ સોલો સેલિબ્રિટીનો સમાવેશ થાય છે. આ વખતે ઘરમાં સૌથી વધારે સંખ્યા ઉમેરવામાં આવી છે. શનિવારના દિવસે બિગબોસ-૧૨ની પ્રિલોન્ચ કરવામાં આવી હતી જેમાં ઇતિહાસમાં પ્રથમ વખત જનતાને અધિકાર આપવામાં આવ્યા છે કે, પોતાની પસંદગીથી સ્પર્ધકોની પસંદગી કરી શકે છે.
લોકોએ રશ્મિ બનીક અને પૂર્વ રોડિઝ સુરભી રાણાની પણ પસંદગી લોકો દ્વારા કરવામાં આવી છે. આ વખતે જે સ્પર્ધકો સામેલ થયા છે તેમાં દિપીકા કક્કર, નેહા પેન્ડસે, એસ શ્રીસંત, ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા, રોમિલ ચૌધરી, રશ્મિ બનીક, નિર્મલ સિંહ અને અનુપ જલોટા સામેલ છે. આ ઉપરાંત પણ કેટલાક અન્ય કલાકારોને પણ ઉમેરવામાં આવ્યા છે. તમામ લોકો માની રહ્યા છે કે, આ વખતે નેહા પેન્ડસે તાજ જીતી જશે. કારણ કે સેલિબ્રિટી હોવાની સાથે સાથે તે ઘણી ટીવી ચેનલોમાં સતત નજરે પડતી રહી છે. તેના ઘણા ટીવી કાર્યક્રમો સફળ પણ સાબિત થયા છે. નેહા પેન્ડસે મનોરંજનની દુનિયામાં નવી નથી.
મે આઈ કમ ઇન મેડમ શો મારફતે તે ખુબ લોકપ્રિય થઇ ચુકી છે. નેહા પેન્ડસેએ હાલમાં જ પોતાના પોલ ડાન્સના વિડિયો ઇન્સ્ટાગ્રામ પર મુકી દીધા છે જેની ચર્ચા છે. બિગબોસના ઘરમાં તેની એન્ટ્રી થયા બાદ તે હોટ ફેવરિટ બની ગઈ છે. પહેલા એવી પણ ચર્ચા હતી કે, સલમાનની સાથે કેટરીના પણ હોસ્ટ તરીકે રહેશે પરંતુ આ અટકળો સાબિત થઇ છે અને માત્ર સલમાન જ હોસ્ટ તરીકે રહેશે.