અમદાવાદ : આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના રૂ. ૮૦૫૧ કરોડના બજેટને ભાજપના શાસકોએ મોર્ડન અમદાવાદના બજેટ તરીકે જાહેર કરાયુ છે. જેમાં સ્માર્ટ્ સીટી સહિતનાં આકર્ષક સૂત્ર મુકાયાં છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, મેગાસિટી અમદાવાદના અનેક વિસ્તારોમાં હજુ ઉનાળો પણ શરૂ નથી થયો તે પહેલાથી લોકોને ટેન્કર દ્વારા પાણી પૂરું પડાઇ રહ્યું છે. એટલું જ નહી, ટેન્કરથી પાણી પૂરું પાડવા પેટે તેનાં ભાડાં પાછળ દર વર્ષે લાખ્ખો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. આનાથી પશ્ચિમ ઝોન જેવો સમૃદ્ધ ગણાતો ઝોન પાણીની પણ તંત્રની વહીવટી અણઆવડતથી બાકાત નથી.
શહેરીજનોને સવારે બે કલાક પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. અનેક વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા જોવા મળે છે તો કેટલાક વિસ્તારોમાં બે વખત, કેટલાક વિસ્તારમાં એક વખત અને કેટલાક વિસ્તારમાં એક પણ વખત પાણી અપાતું નથી. તેમાંય છેક વર્ષ ૨૦૦૭થી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભળેલા સરખેજથી લઈને ચાંદખેડા સુધીના પટ્ટામાં બાર વર્ષ પછી પણ એક વખત પાણી અપાતું હોઈ તેમાં પણ પાણી આપવાનો સમય નિશ્ચિત હોતો નથી. મોટાભાગની સોસાયટીઓ ખાનગી બોરથી પાણી મેળવતી હોવા છતાં તંત્ર આકરો પાણી વેરો વસૂલ કરાય છે. બીજી તરફ છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી શહેરના સ્ટેડિયમ, જોધપુર, નારણપુરા અને નવરંગપુરામાં ચોવીસ કલાક પાણી આપવાના શાસકો ઢોલ નગારાં વગાડી રહ્યાં છે. જેની પાછળ રૂ. ૫૦ કરોડથી વધારે ખર્ચ કરાયો છે, પરંતુ આજદિન સુધી આ પાઈલટ પ્રોજેક્ટનાં ઠેકાણાં પડ્યાં નથી. ખરેખર તો ચોવીસ કલાક પાણીનાં સપનાંની વચ્ચે લોકો ટેન્કરથી પાણી મેળવવા મજબૂર બન્યા છે. શહેરમાં ટેન્કરથી પાણી પૂરું પાડતી ખાનગી એજન્સીઓને તો બોલબાલા જ છે,
પરંતુ ખુદ મ્યુનિસિપલ તિજોરીમાંથી દર વર્ષે લાખો રૂપિયા ભાડેથી લેવાયેલા પાણીના ટેન્ડરો પાછળ ખર્ચાઈ રહ્યા છે, જે અમ્યુકો શાસકોની અણઆવડત અને અંધેર વહીવટ સ્પષ્ટ કરે છે તેમ મ્યુનિસિપલ કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ આક્ષેપ કર્યો છે. આ અંગે છેલ્લા બે વર્ષના પશ્ચિમ ઝોન, નવા પશ્ચિમ ઝોન, પૂર્વ ઝોન અને ઉત્તર ઝોનના ભાડાંથી ટેન્કર લેવા માટેના ખર્ચની વિગત આપતા મ્યુનિસિપલ કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ જણાવ્યું કે, શહેરના ફક્ત આ ચાર ઝોનમાં છેલ્લાં બે વર્ષમાં રૂ. ચાર કરોડથી વધારે ટેન્કરના ભાડા પાછળ ખર્ચાઈ ચૂક્યા છે. છેલ્લા એક દાયકાથી વોટર પ્રોજેક્ટ પાછળ રૂ. ૯૦૦થી ૧૦૦૦ કરોડનું આંધણ કરાયા બાદ પણ જો નાગરિકોને ટેન્કરોથી પાણી મેળવવું પડે છે તો તે શાસકોની વહીવટી નબળાઈ દર્શાવે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળા દ્વારા છેક વર્ષ ર૦૧૦માં ગોલ્ડન ગોલ હેઠળ શહેરમાં સો ટકા વિસ્તારને પાણી અને ગટરની સુવિધાથી આવરી લેવાની જાહેરાત કરાઇ હતી. જોકે નાગરિકોને ર૪ કલાક પાણી પૂરું પાડવાના સપનાં બતાવનાર સત્તાધીશો આજે લગભગ એક દાયકા બાદ પણ તંત્ર ગોલ્ડન ગોલને મેળવી શક્યુ નથી. હજુ પણ અમદાવાદના દસ ટકા વિસ્તારને એક ટાઇમ પાણી પણ પૂરું પડાતું નથી.
શહેરમાં અત્યારે ૧૯ર વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન છે. કરોડો રૂપિયાના ખર્ચે નવા બોર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન બતાવાઇ રહ્યાં છે. આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦માં વોટર પ્રોજેકટ માટે બજેટમાં રૂ.૩૮૦ કરોડની જંગી રકમ ફાળવાઇ છે. ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન તેમજ નેટવર્કની ડિઝાઇન આગામી દસ વર્ષની વસતીને ધ્યાનમાં રાખી તૈયાર કરવાની જાહેરાત થઇ છે. પરંતુ લાંભા વોર્ડમાં પાણીની ટાંકી બનાવાઇ દેવાઇ છે, પણ નેટવર્ક નથી. તો આ પ્રકારનાં આયોજનથી લોકો ટેન્કરરાજથી મુક્ત થશે તેવો પ્રશ્ન ઊઠ્યો છે. છેલ્લા એક દાયકામાં વોટર પ્રોજેકટ પાછળ રૂ.૯૦૦થી રૂ.૧૦૦૦ કરોડ ખર્ચાયા હોવા છતાં આજેય શહેરમાં દર વર્ષે રૂ.૪૦ થી પ૦ લાખ ટેન્કરના ફેરા પાછળ તંત્રને ચૂકવવા પડે છે. આ તમામ હકીકતો અમ્યુકો શાસકોના અણઘડ વહીવટની પોલ ખોલી નાંખે છે.