પંજાબના માનસા જિલ્લામાં જાણીતા પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની અજાણ્યા હુમલાખોરોએ આડેધડ ફાયરિંગ કરીને હત્યા કરી નાખી. હત્યાના એક દિવસ અગાઉ જ પંજાબ સરકાર દ્વારા મૂસેવાલાની સુરક્ષા પાછી ખેંચાઈ હતી. પોલીસ આ મામલો અંગત અદાવતનો ગણાવી રહી છે. આ બધા વચ્ચે એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે જેના દ્વારા મોટો ખુલાસો થયો છે.
જે સીસીટીવી ફૂટેજ મળ્યું છે તેમાં સિદ્ધુ મૂસેવાલાની એસયુવી એક રસ્તેથી જઈ રહી છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ વીડિયો હત્યાની ગણતરીની પળો પહેલાનો છે. વીડિયોમાં ૨ કાર મૂસેવાલાની એસયુવીનો પીછો કરી રહી છે. વીડિયોમાં ત્યારબાદ એક સફેદ રંગની બોલેરો પણ જતી જાેવા મળે છે. આ વીડિયોમાં ફાયરિંગનો અવાજ પણ સંભળાય છે. અત્રે જણાવવાનું કે પોલીસના જણાવ્યાં મુજબ સિદ્ધુ મૂસેવાલા પર રવિવારે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે ફાયરિંગ થયું.
પંજાબ ડીજીપી વી કે ભવરાના જણાવ્યાં મુજબ મૂસેવાલા તેના પાડોશી ગુરવિંદ સિંહ અને સંબંધી ગુરપ્રીત સિંહ સાથે સાંજે સાડા ચાર વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. ગાડી તે પોતે જ ચલાવતો હતો. જ્યારે મૂસેવાલા માનસા જિલ્લાના જવાહરના ગામ પહોંચ્યો તો બે ગાડીઓએ તેની એસયુવી રોકી અને ત્યારબાદ ફાયરિંગ કર્યું. પંજાબ ડીજીપીના જણાવ્યાં મુજબ સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષા માટે પંજાબ પોલીસના ચાર કમાન્ડો તૈનાત હતા.
દર વર્ષે ઓપરેશન બ્લ્યુ સ્ટારની વરસી અને આગામી મહિને ધલ્લુધારા સપ્તાહના કારણે સુરક્ષા ઓછી કરાય છે. જેને જાેતા મૂસેવાલાની સુરક્ષામાં તૈનાત કમાન્ડોમાંથી બેને હટાવાયા હતા અને હાલ ૨ કમાન્ડો સુરક્ષામાં તૈનાત હતા. ભવરાના જણાવ્યાં મુજબ ઘટના સમયે સિદ્ધુ મૂસેવાલા જ્યારે માનસા જિલ્લામાં હતા ત્યારે તેઓ તેમના બાકી બે કમાન્ડોને પણ સાથે લઈ ગયા નહતા. આ ઉપરાંત બુલેટપ્રૂફ ગાડી પણ નહતી.
ડીજીપીએ કહ્યું કે ઘટનાસ્થળેથી ગોળીઓના ૩૦ ખાલી ખોખા મળ્યા છે. તેમના અંદાજા મુજબ હત્યામાં ઓછામાં ઓછા ત્રણ હથિયારો વપરાયા હશે. એવી આશંકા વ્યક્ત કરાઈ છે કે ઘટનાસ્થળેથી જે ગોળીઓના ખોખા મળ્યા તેને જાેતા હત્યામાં રશિયન હથિયાર AN 94 Assault Rifleનો ઉપયોગ થયો હોવો જાેઈએ. મૂસેવાલા હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણી સામે આવી રહી છે.
મૂસેવાલાની એસયુવી પર લગભગ ૩૦ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું કહેવાય છે. ઘટના ઘટી ત્યાં ઘરોની દિવાલો ઉપર પણ ગોળીના નિશાન છે. લોકોનું કહેવું છે કે મૂસેવાલાની ગાડીની ડ્રાઈવિંગ સીટ પર એટલી ગોળીઓ છૂટી કે જાણે એવું લાગતું હતું કે દિવાળીના ફટાકડા ફૂટી રહ્યા હોય. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ જે જગ્યાએ હત્યા થઈ ત્યાં એક વળાંક છે અને તેના કારણે ગાડી ધીમી પડે છે. જેનો ફાયદો ઉઠાવીને હુમલાખોરેએ મૂસેવાલા પર ફાયરિંગ કર્યું.
તેમણે કહ્યું કે બદમાશો ઘણીવારથી મૂસેવાલાની ગાડીની રાહ જાેતા હતા. જ્યારે સાંજે લગભગ સાડા ૫ વાગે ત્યાં પહોંચ્યો કે તરત ફાયરિંગ કર્યું. પંજાબના ડીજીપીના જણાવ્યાં મુજબ મૂસેવાલા પર લગભગ ૩૦ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. ત્યારબાદ એસયુવી તો જાણે ચારણી જેવી થઈ ગઈ. જગ્યાએથી કારતૂસના ૩૦ ખાલી ખોખા મળ્યા છે. તેમણે કહ્યું કે હત્યામાં ઓછામાં ઓછા ૩ હથિયારોનો ઉપયોગ થયો હશે.