કોલકત્તા : પશ્ચિમ બંગાળમાં તૈનાત કરવામાં આવેલા સીબીઆઇના અધિકારી દિલ્હી પરત ફરવા લાગી ગયા છે. અધિકારીઓને નિર્દેશ મળ્યા છે કે તેઓ શનિવાર પહેલા શિલોંગ પહોંચી જાય અને કોલકત્તાના પોલીસ કમીશનર રાજીવ કુમારની પુછપરછ કરવામાં આવે. આવી સ્થિતીમાં રાજીવ કુમારની પાસે બે દિવસનો સમય રહ્યો છે. જેમાં પોતાને સીબીઆઇના વેધક પ્રશ્નોનો જવાબ આપવા માટે તૈયાર કરવા પડશે. એવુ જાણવા મળ્યુ છે કે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આશરે ૮૦-૧૦૦ પ્રશ્નોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ એવા પ્રશ્નો છે જેનો જવાબ સીબીઆઇ દ્વારા માંગવામાં આવી શકે છે.
કોલકત્તા પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પહેલાથી જ કહી દીધુ છે કે શુક્રવાર સુધીમાં રાજીવ સીબીઆઇ સમક્ષ પુછપરછ માટે હાજર થઇ જશે. અધિકારીઓએ આ નિર્ણય એ દિવસો લીધો હતો જ્યારે સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારને પુછપરછ માટે હાજર કરવા આદેશ કર્યો હતો. જા કે સુપ્રીમ કોર્ટ કહી ચુકી છે કે રાજીવ કુમારની ધરપકડ કરી શકાશે નહી. તેમની સામે બળપૂર્વક કોઇ કાર્યવાહી પણ કરી શકાશે નહીં. સીબીઆઇ દ્વારા પોતાના અધિકારીઓને શનિવારના દિવસે શિલોંગ પહોંચી જવા માટે કહ્યુ છે. જેનાથી સાબિત થાય છે કે શનિવારથી પહેલા તો પુછપરછ કરવામાં આવનાર નથી. રવિવાર પહેલા પુછપરછની શક્યતા ઓછી છે.
પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને પાંચમી ફેબ્રુઆરીના દિવસે સુપ્રીમ કોર્ટે મરણતોળ ફટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે શારદા ચીટ ફંડ કૌભાંડમાં પુછપરછ કરવા માટે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને સીબીઆઈની સામે ઉપસ્થિત થવા માટે સ્પષ્ટ આદેશ કરી દીધો હતો. મમતા બેનર્જી આને લઇને વાંધો ઉઠાવી રહ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટે રાજીવને સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત થવા સૂચના આપી હતી. કોર્ટે રાજીવને બંગાળની બહાર શિલોંગમાં સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત થવા માટે આદેશ કર્યો હતો.