અમદાવાદ : છેલ્લા એક સપ્તાહથી મંદ સ્થિર થયેલા સિંગતેલના ડબામાં રૂ.૧૦૦ ઉપરાંતનો વધારો ઝીંકવામાં આવતાં ડબાનો ભાવ વધીને રૂ.૧૭૦૦ પહોંચ્યો છે. મગફળીના ઓછા ઉત્પાદનનો લાભ લેવા તેલિયા રાજાઓ સક્રિય થયો હોવાનો આરોપ લાગતાં ભારે ચકચાર મચી ગઇ છે. તેલના ભાવો આટલા ઉંચે જતા અને અસહ્ય બનતાં રાજયના પ્રજાજનો ખાસ કરીને મહિલાઓ- ગૃહિણીઓનાં બજેટ ખોરવાઇ ગયાં છે અને તેઓમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી છે. તેલના ભાવવધારાના મુદ્દે સરકારને દરમ્યાનગીરી કરવા પણ મહિલાઓ તરફથી ઉગ્ર માંગ કરાઇ છે. ગરીબ-મધ્યમવર્ગના લોકોને સિંગતેલનો સ્વાદ પડતો મૂકી કપાસિયા, પામોલિન, સોયાબીન જેવા ખાદ્યતેલ વાપરવાની ફરજ પડી છે.
સિંગતેલના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં ૧૦૦ થી ૧પ૦ રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, જેની અસર આવી રહેલા દિવાળીના તહેવારોમાં ફરસાણ અને નમકીનના ભાવ પર પણ પડશે. દિવાળીના તહેવારમાં લોકો સૌથી વધુ ફરસાણ અને નમકીનની ખરીદી કરે છે ત્યારે આગામી સમયમાં ફરસાણ અને નમકીનના ભાવમાં ૪૦ થી પ૦ રૂપિયાનો વધારો કરવામાં આવે તેવી શક્યતા છે, જેની સીધી અસર પ્રજાના ખિસ્સા પર પડશે સૌરાષ્ટ્રમાં મગફળીની વધતી આવક વચ્ચે સિંગતેલમાં ડિમાન્ડનો અભાવ હોવા છતાં મિલર દ્વારા છેલ્લા બે દિવસથી ફરી સટ્ટાકીય ખરીદી ચાલુ કરતાં આજે ડબે એક ઝાટકે રૂ. ૪૦ મોંઘો કરીને રૂ.૧૭૦૦ સપાટીએ પહોંચાડ્યો છે. ગઈકાલે રૂ. ૩૦નો વધારો કર્યો હતો અને માલ મળતો નથી તેવી બૂમરાણ મચાવીને ડબાનો ભાવ વધારી દીધો છે.
ચાલુ માસમાં જ ડબે રૂ. ૧ર૦ વધ્યા છે. આ પહેલાં સિંગતેલના ડબાનો ભાવ રૂપિયા ૧પ૦૦ હતો, તેમાંથી રૂપિયા ૯૦થી ૧૦૦નો વધારો ઝીંકાતાં ૧૬૦૦ રૂપિયા આસપાસ સિંગતેલનો ૧પ લિટરનો ડબે ભાવ થયો હતો,પરંતુ સ્ટોકિસ્ટોએ તહેવારો ટાણે જ બજાર પર પકડ જમાવતાં ફરી સિંગતેલનો ભાવ ડબે વધુ ૧૦૦ રૂપિયા ઊછળીને ૧૭૦૦ સુધી પહોંચ્યો છે. દિન-પ્રતિદિન સિંગતેલના ભાવમાં થતા વધારા પાછળ સિંગતેલનો વપરાશ ઘટ્યાનું વેપારીઓ કહી રહ્યા છે. હાલની પરિસ્થિતિમાં ફરસાણના મોટા ભાગના વેપારીઓ સિંગતેલ વાપરતા નથી અને ગૃહિણીઓએ પણ સિંગતેલનો ઉપયોગ ઓછો કરવો પડે તેવી પરિસ્થિતિ છે. સિંગતેલના બદલે પામોલીન, સફોલા, સનફ્લાવર અને કપાસિયા તેલનો વપરાશ વધ્યો છે અને જો આવી જ સ્થિતિ રહી તો આગામી સમયમાં સિંગતેલના ભાવમાં હજુ વધારો થશે. સિંગતેલના ભાવમાં થયેલા વધારાની અસર અન્ય તેલના ભાવ પણ થશે. તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે તેલ પર નભતું ફરસાણ પણ મોંઘું થશે. સેવ, ગાંઠિયા, પાપડી, ખાજલી, કચોરી, ફરસીપૂરી, શક્કરપારા સહિતનું ફરસાણ અને નમકીન પણ મોંઘું થશે.
અત્યારે ફરસાણ અને નમકીનના ભાવ ર૦૦થી રપ૦ રૂપિયે કિલો મળી રહ્યાં છે, જે વધીને ૩૦૦ સુધી થઈ જશે. તેલના ભાવમાં આટલા અસહ્ય વધારાથી પ્રજાજનોમાં ખાસ કરીને મહિલાઓ-ગૃહિણીઓમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ છે અને હવે આ સમગ્ર મામલે સરકારને દરમ્યાનગીરી કરવા અનુરોધ કર્યો છે કે જેથી તહેવારો ટાણે તેલના ભાવો નિયંત્રણમાં રહી શકે.