અમદાવાદ: દિવાળી વેકેશન શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદથી અન્ય સ્થળોએ દિવાળી વેકેશનમાં ફરવા જવાનું હવે પ્લાનિંગ કરનારાઓએ ખિસ્સાંનો ભાર વધારવાની તૈયારી રાખવી પડશે. કારણ કે, દિવાળીના તહેવારો અને વેકેશનને લઇ અત્યારથી જ એર ટિકિટના ભાવોમાં ચાર ગણો વધારો જાવા મળી રહ્યો છે, જેને લઇ પ્રવાસીઓની ફરવાની મજા ફિક્કી પડી શકે એમ છે. તો, રેલ્વે-ટ્રેનોમાં પણ કંઇક આવી જ સ્થિતિ છે. ઉત્તર ભારત તરફ જતી તમામ ટ્રેનનાં કન્ફર્મ રિઝર્વેશન બંધ થઈ ગયાં છે અને વેઇટિંગ લિસ્ટ ૪૦૦ની આસપાસ પહોંચ્યું છે.
વેકેશન ટૂરનું આગોતરું આયોજન નહીં કરનારા અમદાવાદીઓને ગોવા ફરવા જવું હશે કે ઉત્તર ભારત તરફ ક્યાંય પણ ફરવા જવું હશે તો વિમાનનું એક તરફી રૂ.રપ થી ૩૦ હજારનું એક વ્યકિતનું ભાડું ચૂકવવાની તૈયારી રાખવી પડશે. દિવાળી વેકેશનમાં ફરવા જવા માટે હિમાચલ, ગોવા અને દક્ષિણ ભારત હોટ ફેવરિટ રહે છે.
મોટા ભાગના લોકો ગોવા જવાનું વધુ પસંદ કરે છે. ટ્રેનનાં વેઇટિંગ લિસ્ટ ૪૦૦ આસપાસ પહોંચી ગયાં છે. દિવાળી વેકેશનની શરૂઆત તા.૩ નવેમ્બર શનિવારથી શરૂ થતી ગણી શકાય, કારણ કે દિવાળી પર્વના દિવસોની શરૂઆત આ દિવસથી થઈ જાય છે. અમદાવાદથી ગોવાનું ફલાઇટનું ભાડું તા.૬ નવેમ્બરના રોજ રૂ.૩૦,૦૦૦ સુધીનું છે, તા.૭ નવેમ્બરે રૂ.૩૪ હજાર સુધીનું છે અને તા. ૮ નવેમ્બરે રૂ.૩૮ હજાર સુધીનું છે. અમદાવાદ-દહેરાદૂનનું ભાડું તા.૩ નવેમ્બરે ૧૯ હજાર સુધીનું છે, જે તા.૬ થી ૭ નવેમ્બર સુધીમાં વધીને ક્રમશઃ રપ હજાર સુધી પહોંચ્યું છે. અમદાવાદ-દિલ્હીનું ભાડું ૭૦૦૦થી શરૂ કરીને ૬ નવેમ્બરના રોજ ર૦ હજાર સુધીનું છે. અમદાવાદ મુંબઈનું ભાડું તા.૩ નવેમ્બરે રૂ.૧૮ હજાર સુધીનું છે.
અમદાવાદ-જયપુર રૂ.૧ર થી ૧૬ હજાર છે. અમદાવાદ-હૈદરાબાદ રૂ.૭ થી ર૦ હજાર સુધી, અમદાવાદ-કોલકાતા રૂ.૧૦ હજારથી ૧૭ હજાર સુધી. આ તમામ હવાઈ ભાડા વેકેશન શરૂ થવાના પહેલા દિવસનાં છે, જે હજુ વધવાની શકયતા છે. સામાન્ય દિવસોમાં આ ભાડું ૩ હજારથી ૭ હજાર સુધીનાં રહે છે. ૧ર૦ દિવસ પહેલાં ટ્રેનનું બુકિંગ શરૂ થતાંની સાથે જ રિઝર્વેશન માટે પડાપડી થતી હોય છે તેના પગલે જ ઉત્તર ભારત તરફ જતી તમામ ટ્રેનનાં કન્ફર્મ રિઝર્વેશન ર ઓગસ્ટથી બંધ થઈ ગયાં છે અને વેઇટિંગ લિસ્ટ ૪૦૦ની આસપાસ થયું છે. તાપી-ગંગા એકસપ્રેસ, ભાગલપુર સુપર ફાસ્ટ, અવધ એકસપ્રેસ, મુઝફફરપુર, શ્રમિક, દાનાપુર, ગરીબ રથ, બાંદ્રા ટર્મિનસ, બિકાનેર સ્પેશિયલ, ઓખા – શિરડી – બાંદ્રા – ઇન્દોર ટ્રેન હાઉસફુલ જઈ રહી છે. મુંબઈ-દિલ્હી અને સાઉથ તરફ જતી તમામ ટ્રેન ૩ નવેમ્બરથી વેઇટિંગમાં આવી ગઈ છે. રેલવે જોકે સ્પેશિયલ ટ્રેન દોડાવી રહી છે, પરંતુ પ્રવાસીઓના ધસારાને જોતાં વેકેશન દરમિયાન કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ છે.