અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકવાદીઓની સરકારે મહિલાઓના બ્યુટી પાર્લર પર પ્રતિબંધ મૂક્યો છે અને તેમને બિઝનેસ બંધ કરવા માટે એક મહિનાની નોટિસ આપી છે. તાલિબાન સરકારના પ્રવક્તાએ મંગળવારે આ જાણકારી આપી છે. અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને છોકરીઓના અધિકારો અને સ્વતંત્રતા પર આ એક નવો પ્રતિબંધ છે. તેઓને અગાઉ શિક્ષણ અને મોટાભાગની નોકરીઓથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.
તાલિબાનના ‘વર્ચ્યુ એન્ડ વાઇસ મિનિસ્ટ્રી’ના પ્રવક્તા મોહમ્મદ સિદ્દીક અકીફ મહાજરે પ્રતિબંધની જાણકારી આપી નથી. તેણે માત્ર સોશિયલ મીડિયા પર ફરતા પત્રની વાતો પર પુષ્ટિ કરી છે. ૨૪ જૂને એક પત્ર શેર કરતા મંત્રાલયે કહ્યું કે તે સર્વોચ્ચ નેતા હિબતુલ્લા અખુન્દઝાદા તરફથી મૌખિક આદેશ આપી રહ્યા છીએ. રાજધાની કાબુલ અને તમામ પ્રાંતોમાં આ પ્રતિબંધ યથાવત રહેશે. જેમાં દેશભરના સલુન્સને એક મહિનાની નોટિસ આપવામાં આવી છે કે તેઓ પોતાનો બિઝનેસ બંધ કરી દે. એક મહિના બાદ સલુન્સને બંધ કરી દેવામાં આવશે અને આ અંગે રિપોર્ટ સોંપવામાં આવશે. પત્રમાં પ્રતિબંધના કારણો આપવામાં આવ્યા નથી. અખુંદઝાદાએ અગાઉ દાવો કર્યો હતો કે તેમની સરકારે અફઘાનિસ્તાનમાં મહિલાઓના જીવનને સુધારવા માટે જરૂરી પગલાં લીધા છે તે પછી આ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. તાલિબાનનો આ દાવો સતત પોકળ સાબિત થઈ રહ્યો છે.
તાલિબાન શાસન બાદ અફઘાન મહિલાઓ જેલ જેવું જીવન જીવવા મજબૂર છે. તાલિબાની કાળા કાયદાઓ સતત વધી રહ્યા છે જેના કારણે દેશમાં હવે રોજગારનું સંકટ ઉભું થઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૧માં, તાલિબાને સરકારને ઉથલાવી દીધી હતી અને અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો. ત્યારથી, છોકરીઓ અને મહિલાઓ માટે જીવન મુશ્કેલ બની ગયું. અફઘાનિસ્તાનના એક જાણીતા સામાજિક કાર્યકર્તાએ આ મુદ્દે એક સમાચાર એજન્સીને જણાવે છે કે તાલિબાન આવતાની સાથે જ, કોઈપણ કારણ વિના, સૌ પ્રથમ, તેઓએ શાળા-યુનિવર્સિટીમાં છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યારે છેલ્લા બે દાયકાથી છોકરીઓ માટે અલગ શિક્ષણ પ્રથા ચાલી રહી હતી.