આધાર કાર્ડ અનેક બાબતોને લઇને હાલમાં ચર્ચામાં છે, ત્યારે આધાર કાર્ડને લઇને એક ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. જો તમે પ્લાસ્ટિક કે પીવીસી લેમિનેટેડ સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરતા હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે આ રીતે કાર્ડનો ઉપયોગ કરવાથી તમારૂં આધાર કાર્ડનો ક્યૂઆર કોડ ખરાબ થઇ શકે છે અને તમારી વ્યક્તિગત જાણકારીની ચોરી પણ થઇ શકે છે.
આ વિશે યુનિક આઇડંટીફિકેશન ઓથોરિટી ઓફ ઇંડિયા (યૂઆઈડીએઆઈ)એ ચિંતા વ્યક્ત કરી છે. યુનિક આઇડંટીફિકેશન ઓથોરિટી ઓફ ઇંડિયાના કહેવા મુજબ પ્લાસ્ટિક કે પીવીસી સ્માર્ટ કાર્ડનો સતત ઉપયોગ કરવો જોઇએ નહીં, કારણ કે દુકાનો અને વેચાણ કેન્દ્રો પર ક્યૂઆર કોડની બિનઅધિકૃત પ્રિન્ટીંગથી ખરાબ થઇ જાય છે.
યૂઆઈડીએઆઈએ જણાવ્યું કે આધાર કાર્ડ કે આધાર કાર્ડનો કપાયેલો ભાગ કે આધારની ડાઉનલોડ કરાયેલી પ્રિન્ટ કે એમ-આધાર પૂર્ણ રીતે માન્ય છે. લોકો આધાર સ્માર્ટ કાર્ડ પ્રિન્ટ કરાવવા માટે ૫૦ થી ૩૦૦ રૂપિયા સુધીનો બિન-જરૂરી ખર્ચ કરી રહ્યાં છે.
યૂઆઈડીએઆઈએ લોકોને આ અનિચ્છનીય દુકાનો કે વેચાણ કેન્દ્રોની મુલાકાત ન લેવાની સલાહ આપવામાં આવી છે. યૂઆઈડીએઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અજય ભૂષણ પાંડેએ જણાવ્યું કે આ રીતના સ્માર્ટ આધાર કાર્ડનો કોઇ કનસેપ્ટ જ નથી. આધાર કાર્ડ કે સાધારણ કાગળ પર આધારની ડાઉનલોડ કરવામાં આવેલી પ્રિન્ટ કે એમ-આધાર તમામ પ્રકારના ઉપયોગ પૂર્ણ રીતે માન્ય છે.
યૂઆઈડીએઆઈએ અનઅધિકૃત એજન્સીઓને ચેતવણી આપી છે કે તેઓ આધાર કાર્ડ બનાવવા માટે સામાન્ય લોકોની માહિતીઓ એકઠી ન કરે, કારણ કે આ પ્રકારે એકઠી કરેલ માહિતી તથા અનઅધિકૃત રીતે આધાર કાર્ડની પ્રિન્ટ કરવી ભારતીય દંડ સંહિતા અને આધાર અધિનિયમ ૨૦૧૬ અંતર્ગત દંડનીય અપરાધ છે.