બાર કાઉન્સીલમાં ભાજપ સમરસ પેનલનું પ્રભુત્વ, દિપેન દવેની બાર કાઉન્સીલ ચેરમેન તરીકે કરાયેલ વરણી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: ગુજરાત બાર કાઉન્સીલની પ્રતિષ્ઠાભરી ચૂંટણી બાદ આજે બાર કાઉન્સીલના ચેરમેન, વાઇસ ચેરમેન સહિતના હોદ્દેદારો અને મહત્વની કમીટીઓના પદાધિકારીઓની ચૂંટણી થઇ હતી. જેમાં ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન તરીકે દિપેન દવે અને વાઇસ ચેરમેન તરીકે પ્રવીણ પટેલની નિમણૂંક કરવામાં આવી હતી.

ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ૨૧મા વર્ષે જીતનાર ભાજપની સમરસ પેનલના પદાધિકારીઓ દ્વારા આજે લીગલ સેલના કન્વીનર જે.જે.પટેલની આગેવાની હેઠળ રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની મુલાકાત લીધી હતી. ગૃહરાજયમંત્રીએ પણ તેમને બાર કાઉન્સીલમાં ફરી એકવાર સત્તાસ્થાન હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત બાર કાઉન્સીલની યોજાયેલી ચૂંટણીમાં બાર કાઉન્સીલના સભ્યો દ્વારા સર્વાનુમતે ચેરમેન તરીકે દિપેન દવે અને વાઇસ ચેરમેન તરીકે પ્રવીણ પટેલની નિમણૂંક કરવામાં આવી હતી. જયારે એકઝીકયુટીવ કમીટીના ચેરમેન તરીકે કરણસિંહ બી.વાઘેલાની નિયુકિત કરવામાં આવી હતી.

દરમ્યાન બાર કાઉન્સીલની મહત્વની એવી ડિસીપ્લીનરી કમીટી(શિસ્ત સમિતિ)માં  હાઇકોર્ટના સિનિયર એડવોકેટ સુધીર નાણાવટી, બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને સિનિયર એડવોકેટ વિજયભાઇ એચ.પટેલ, નિરૂપમ નાણાવટી, મીહિર ઠાકોર અને અનિલ સી.કેલ્લાની નિમણૂંક કરવામાં આવી હતી.

દરમ્યાન બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયામાં ગુજરાત બાર કાઉન્સીલના પ્રતિનિધિત્વ રજૂ કરવા માટે બીસીઆઇના મેમ્બર પદની ચૂંટણી તા.૯મી સપ્ટેમ્બર હોઇ બીસીઆઇની સભ્યપદની રેસમાં હાઇકોર્ટના સિનિયર એડવોકેટ અને પૂર્વ ચેરમેન વિજયભાઇ એચ.પટેલ, મનોજ અનડકટ અને અનિલ સી.કેલ્લાના નામો ચર્ચાઇ રહ્યા છે. આ સિવાય ગુજરાત એડવોકેટ વેલ્ફેર કમીટી, ગુજરાત બાર કાઉન્સીલ એડવોકેટ એકેડમી, ગુજરાત લો હેરાલ્ડ એડિટોરીયલ બોર્ડ, બીસીઆઇ હેલ્થ એઇડ કમીટીની ચૂંટણીઓ પણ બાકી છે અને તે હવે તા.૯મી સપ્ટેમ્બરે યોજાય તેવી શકયતા છે.

બાર કાઉન્સીલની પ્રતિષ્ઠાભરી ચૂંટણીને લઇ કોંગ્રેસની ખેંચતાણ અને કોઇપણ રાજકીય વ્યૂહરચનાથી બચવા ભાજપ લીગલ સેલ દ્વારા ૨૫ સભ્યોમાંથી ૨૦ સભ્યોને લઇને બે દિવસ પહેલાં જ રાજસ્થાનના ઉદેપુર ખાતે લઇ જવાયા હતા અને આજે ચૂંટણીના દિવસે તમામ ૨૦ સભ્યોને સીધા ચૂંટણીખંડમાં ઉતારવામાં આવ્યા હતા. જેને પગલે ફરી સમરસ પેનલનો દબદબો બાર કાઉન્સીલમાં યથાવત્‌ રહ્યો હતો. આ સિવાય બાર કાઉન્સીલની એનરોલમેન્ટ કમીટીના ચેરમેન તરીકે સી.કે.પટેલ, ફાયનાન્સ કમીટીના ચેરમેન તરીકે આર.એન.પટેલ, રૂલ્સ કમીટીના ચેરમેન તરીકે શંકરસિંહ ગોહિલની વરણી કરવામાં આવી હતી.

Share This Article