અમદાવાદ : બેન્ક ઓફ બરોડામાં દેના બેન્ક અને વિજયા બેન્કનું વિલીનીકરણ કરવા કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે તેની સામે રોષ દર્શાવતાં યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયને આજે એક દિવસીય હડતાળ જાહેર કરી હતી. જેના ભાગરૂપે આજે સરકારી બેન્કના કર્મચારીઓએ એક દિવસીય હડતાળ પર ઉતરી પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. શહેરની સરકારી બેન્કોની ૬૦૦થી વધુ બ્રાંચના કર્મચારીઓએ મર્જરના વિરોધમાં હડતાળ પાડી છે. સામાન્ય રીતે એક દિવસમાં ૧પ૦૦થી ર,૦૦૦ કરોડના ચેક અને કેસના વ્યવહાર થતા હોય છે, જોકે આજની હડતાળમાં સહકારી અને ખાનગી બેન્કો નહીં જોડાતાં ખાનગી બેન્કોનાં ક્લિયરિંગ હાઉસ કાર્યરત રહેશે. તેથી બેન્ક વ્યવહાર પર આંશિક અસર વર્તાશે. ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિયેશન દ્વારા જાહેર કરાયેલી આ હડતાળમાં મહાગુજરાત બેન્ક કર્મચારી એસોસિયેશન મુજબ અંદાજે ૭૦,૦૦૦ જેટલા બેન્ક કર્મચારીઓ જોડાયા છે.
બેન્ક કર્મચારીઓ મર્જરના વિરોધમાં આશ્રમરોડ પર આવેલા વલ્લભસદન ખાતે ભેગા થઈને ઉગ્ર સૂત્રોચ્ચાર અને દેખાવો યોજયા હતા. તા.૧૮ ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓએ વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરીને કામ કર્યું હતું. એ પછી બે દિવસ પહેલાં પણ તા.ર૪ ડિસેમ્બરે દેખાવો કરવામાં આવ્યા હતા. આજની હડતાળ બાદ રાજ્યની પબ્લિક સેક્ટર બેન્કના કર્મચારીઓ આગામી તા.૮ અને ૯ જાન્યુઆરીએ ઈન્ડસ્ટ્રિયલ ટ્રેડ યુનિયનની હડતાળમાં જોડાશે. આથી બે દિવસ માટે બેન્કો બંધ રહેશે. આ બાબતે મહાગુજરાત બેન્ક કર્મચારી એસોસિયેશનના જનરલ સેક્રેટરી જનક રાવલે જણાવ્યું હતું કે પ્રસ્તાવિત ત્રણ બેન્કના એકીકરણના વિરોધમાં બધી જ પબ્લિક સેક્ટર બેન્કના કર્મચારીઓ હડતાળ પર છે. આ મર્જરથી રાજ્યમાં પબ્લિક સેક્ટરની બેન્કો ઓછી થશે.
પબ્લિક સેક્ટર બેન્કો દ્વારા જ સરકારી યોજનાઓ લાગુ થઈ શકી છે. ગઈકાલે તા.રપ ડિસેમ્બરે નાતાલની જાહેર રજાના કારણે બેન્કો બંધ હતી અને આજે બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઊતરવાના કારણે સળંગ બે દિવસ સુધી રાજ્યની સરકારી બેંકોમાં કામકાજ લગભગ ઠપ્પ જેવું રહ્યું હતું. સરકારી બેંકોના ખાતેદારો, થાપણદારોને થોડી ઘણી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.