ઢાકા: શેખ હસીનાની પાર્ટી અવામી લીગે સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશમાં મોટી જીત હાંસલ કરી લીધી છે. રવિવારના દિવસે મોડી રાત્રે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. આની સાથે જ શેખ હસીનાની પાર્ટીના લોકો અને કાર્યકરોમાં ઉત્સાહ અને ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. બીજી બાજુ ચૂંટણી દરમિયાન થયેલી રાજકીય હિંસામાં ઓછામાં ઓછા ૧૭ લોકોના મોત થઇ ગયા છે. વિપક્ષી પાર્ટીઓએ મતદાનમાં ગેરરિતી હોવાનો આરોપ કર્યો છે. સાથે સાથે ફરી ચૂંટણી માટેન માંગ પણ કરી છે. મીડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો અવામ લીગના નેતૃત્વમાં ગઠબંધનને ૩૦૦માંથી ૨૬૬ સીટો મળી ગઇ છે. આની સાથે જ ગઠબંધનને રેકોર્ડ જીત હાંસલ થઇ છે. પ્રાઇવેટ ચેનલે કહ્યુ હતુ કે ૩૦૦ પૈકી ૨૯૯ સીટો પર પરિણામ આવી ગયા છે. જે પૈકી અવામી લીગે ૨૬૬ સીટો પર જીત મેળવી છે. તેની સાથે પાર્ટી જતિયા પાર્ટીને ૨૧ સીટો મળી છે.
આવી જ રીતે વિપક્ષી ગઠબંધન નેશનલ યુનિટી ફ્રન્ટને માત્ર સાત સીટો મળી છે. લોકલ મિડિયાએ કહ્યુ છે કે બે સીટો પર અપક્ષની જીત થઇ છે. એક ઉમેદવારના નિધનના કારણે એક સીટ પર મતદાન થયુ ન હતુ. બાંગ્લાદેશના ચૂંટણી પંચે કહ્યુ હતુ કે શેખ હસીનાને પોતે પશ્ચિમી ગોપાલગંજમાં ૨૨૯૫૩૯ વોટ મળ્યા છે. જ્યારે હરિફને માત્ર ૧૨૩ મત મળ્યા છે. બીજી બાજુ વિપક્ષી પાર્ટી ગઠબંધને ચૂંટણીના પરિણામને સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દીધો છે. આ ગઠબંધને કાર્યવાહક તટસ્થ સરકારના નેતૃત્વમાં ફરી ચૂંટણી માટેની માંગ કરી છે. જા કે ચૂંટણી પંચે આ પ્રકારની માંગણીને ફગાવી દીધી છે.