નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં જોરદાર દેખાવ કરવાના ઇરાદા સાથે ભારતીય જનતા પાર્ટીએ જોરદાર દેખાવ કરવા માટે કમર કસી લીધી છે. કર્ણાટકની પ્રતિષ્ઠિત બેંગલોર સાઉથ સીટ પર કોંગ્રેસના દિગ્ગજ નેતા બીકે હરિપ્રસાદને માત આપવા માટે રાજ્યમાં પોતાના રાઇઝિંગ સ્ટાર એલએસ તેજસ્વી સુર્યાને મેદાનમાં ઉતારી દેવાનો નિર્ણય કર્યો છે. આ સીટ માટે સ્વર્ગસ્થ નેતા અનંત કુમારના પત્નિ તેજસ્વિની પણ દાવેદાર હતા. જો કે પાર્ટીએ કેટલાક રાજકીય કારણોસર તેજસ્વી સુર્યા પર દાવ અજમાવ્યો છે. મંગળવારે રાત્રે ૨.૪૮ વાગે સુર્યાને ટિકિટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ પણ ચોંકી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.
ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મી લોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે. બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ પર મતદાન થનાર છે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે.
દિલ્હીમાં છઠ્ઠા તબક્કામાં ૧૨મી મેના દિવસે મતદાન થશે. સૌથી વધારે ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળમાં સાતમાં રાઉન્ડમાં મતદાન થશે અને તમામ તબક્કામાં અહીં મતદાન થનાર છે. ૨૨ રાજ્યોમાં એક તબક્કામાં મતદાન થશે. તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્રમાં મજબુત નેતાની છાપ મોદી ધરાવે છે. સાથે સાથે છેલ્લા પાંચ વર્ષના ગાળામાં વૈશ્વિક મંચ પર ભારતનો ડંકો વાગી રહ્યો છે. ત્રાસવાદ સહિતના મુદ્દા પર વિશ્વના દેશો એક સાથે આવી રહ્યા છે. આવી સ્થિતીમાં મોદીની લોકપ્રિયતા અકબંધ રહી છે. લોકો માને છ કે વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા પહેલા કરતા ખુબ મજબુત થઇ રહી છે. ભારતીય જનતા પાર્ટી અન્ય પક્ષોની સરખામણીમાં લોકસભા ચૂંટણીમાં તૈયારીમાં અન્યો કરતા ખુબ આગળ નજરે પડે છે. તેજસ્વીને એક ઉભરતા આક્રમક નેતા તરીકે ગણવામાં આવે છે. સંઘની મદદથી તેમને ટિકિટ મળી ગઇ છે. સુર્યાએ આના માટે સંઘનો આભાર માન્યો છે. સુર્યાએ ટ્વીટ કરીને અનંત કુમારને પોતાના પ્રથમ ગુરૂ તરીકે ગણાવ્યા છે.