લોકસભાની ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસા હજુ પણ જારી રહી છે. હિંસા હજુ પણ રોકાઇ રહી નથી. ભારતીય જનતા પાર્ટી અને ટીએમસીના સમર્થકો વચ્ચે રક્તપાત જારી છે. બંગાળના જુદા જુદા વિસ્તારોમાં હિંસા જારી રહેતા હવે ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. હિંસાના કારણે કરોડોની સંપત્તિને નુકસાન થઇ ચુક્યુ છે. તોડફોડ અને આગના બનાવોના કારણે સમગ્ર બંગાળમાં હાલત કફોડી બનેલી છે. અનેક લોકો જાનથી હાથ ધોઇ બેઠા છે. રવિવારના દિવસે પણ ઉત્તરીય ૨૪ પરગના જિલ્લાના ભાંગીપાડા અને હટાગાચ્છામાં થયેલી હિંસા અને આગના બનાવમાં ચાર લોકોના મોત થયા હતા. અહીં મોતનો આંકડો વધી શકે છે. કારણ કે કેટલાક ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા. કેટલાક લોકો લાપતા પણ બનેલા છે. અનેક વાહનો અને મકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી. બંને પાર્ટીઓના લોકો દેશી બોંબ, બન્દુકો અને ધારદાર હથિયારો સાથે એકબીજાની સામે ખુલ્લી રીતે મેદાનમાં આવી ગયા હતા. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતીના મુદ્દા પર મમતા બેનર્જી સરકાર અને કેન્દ્ર સરકાર આમને સામને છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા સ્થિતીને ગંભીર ગણાવીને રાજ્ય સરકારને જરૂરી તમામ પગલા લેવા માટે આદેશ કર્યો છે. સાથે સાથે જવાબદાર અધિકારીઓ પર કઠોર કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યુ છે.
જો કે મમતા બેનર્જી સરકાર મૌન બનેલી છે. મમતા બેનર્જી એકબાજુ હિંસા માટે ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ગણે છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના બંગાળ એકમે કેન્દ્રિય ગૃહ પ્રધાન અને ભાજપ પ્રમુખ અમિત શાહને પોતાનો રિપોર્ટ મોકલી દીધો છે. રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી પણ દિલ્હી પહોંચી ગયા છે. તેઓ રાજ્યની સ્થિતી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વાતચીત કરી રહ્યા છે. રાજ્યમાં છેલ્લી ચાર પાંચ મહિનાથી વ્યાપક હિંસા થઇ રહી છે. જેમાં સેંકડોની સંખ્યામાં લોકોના મોત થયા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. રાજકીય હિંસાના કારણે ચૂંટણીમાં પણ અસર થઇ હતી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને રાજકીય આક્ષેપબાજીના દોરમાં લાગેલા છે. જાતિય ભેદભાવને પ્રોત્સાહન મળી રહ્યા છે. ધાર્મિક આયોજન પણ રાજકીય અખાડાના કેન્દ્ર બની રહ્યા છે. મંચ પરથી જાતિય ભેદભાવ વધારી દેવા માટેની અપીલ કરવામા આવી રહી છે.
તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને શાનદાર સફળતા હાથ લાગ્યા બાદ મમતા બેનર્જી હચમચી ઉઠ્યા છે. બંને પાર્ટી વર્ષ ૨૦૨૧માં યોજાનારા વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. તૃણમુળ હવે પોતાની જમીનને બચાવી લેવાના પ્રયાસમાં છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી મમતાને સત્તાથી દુર કરવા માટે મિશન ૨૫૦ પર સક્રિય છે. ભારતીય જનતા પાર્ટીના લોકો ટીએમસીમાં ગાબડા પાડવામાં લાગેલા છે. રાજ્યમાં ત્રણ દશક સુધી શાસન કરનાર ડાબોરીઓ હવે ફેંકાઇ ગયા છે. તૃણમુળની હાલત પણ કફોડી બનેલી છે. દરરોજ રાજ્યના કોઇને કોઇ ભાગમાં હિંસા થઇ રહી છે. આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર અને મમતા સરકાર વચ્ચે ખેંચતાણ વધવાના સંકેત છે.