બાંદીપોરા રેપ : હિંસક વિરોધ પ્રદર્શન બાદ પરિસ્થિતી સ્ફોટક

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં બાંદીપોરા જિલ્લાના સુંબલ વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી સાથે રેપના કેસ બાદ ખીણમાં તંગદીલી વધી રહી છે. વિરોધ પ્રદર્શન, ધરણા અને ઝપાઝપીનો સિલસિલો આજે મંગળવારના દિવસે જારી રહ્યો હતો.આરોપી સ્કુલમાં બાળકીને ટોફીના બહાને ટોઇલેટમાં લઇ ગયો હતો અને ત્યાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલામાં હવે સ્કુલના પ્રિન્સિપાલની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રિન્સિપાલની આરોપીની વય ખોટી દર્શાવવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે.

એમ માનવામાં આવે છે કે બાળકી જ્યાં રહે છે તે વિસ્તારના એક સ્થાનિક યુવાને તેને ટોફીન લાલચ આપીને સ્કુલની અંદર લઇ ગયો હતો. જ્યાં ટોઇલેટમાં બાળકીને હવસની શિકાર બનાવી હતી. પોલીસ હોબાળો થાય તે પહેલા જ આરોપી શખ્સની ધરપકડ કરી ચુકી છે. હવે પ્રિન્સિપાલની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટનાની તપાસ માટે એક ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી ચુકી છે.

પોલીસે આરોપીની વય અંગે ખોટી માહિતી આપવા બદલ પ્રિન્સિપાલની પણ ધરપકડ કરી લીધી છે. જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાં હિંસક દેખાવો કરવામાં આવી રહ્યા છે. હુરિયત નેતા અબ્બાસ અંસારના પુત્રના નેતૃત્વમાં દેખાવો કરવામા આવ્યા હતા. દેખાવ કરી રહેલા લોકોનુ કહેવુ છે કે દોષિતને ફાંસીની સજા કરવામાં આવવી જોઇએ.હિંસક અથડામણમાં ૪૮ લોકો હજુ સુધી ઘાયલ થઇ ચુક્યા છે. તમામ વિસ્તારોમાં સુરક્ષા મજબુત કરવામાં આવી છે.

Share This Article