બાલેશ્વરઃ ભારતે સુપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. સંરક્ષણ સુત્રોએ કહ્યું છે કે, આ મિસાઇલમાં કેટલીક વધુ સુવિધાઓ ઉમેરી દેવામાં આવી છે. તેની ચકાસણી માટે આ પરીક્ષણ કરવામાં આવ્યું છે. અતિઆધુનિક મિસાઇલને સવારે ૧૧.૨૪ વાગે છોડવામાં આવી હતી. ઓછી ઉંચાઈ ઉપર રહેલા એક ટાર્ગેટને તોડી પાડવા માટે આ મિસાઇલ ઝીંકવામાં આવી હતી. ટોપના અધિકારીઓના કહેવા મુજબ ઇન્ટરસેપ્ટર એક અતિઆધુનિક સંરક્ષણ મિસાઇલ છે.
મિસાઇલને ડોક્ટર અબ્દુલ કલામ દ્વીપના ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેંજ પર સ્થિત લોંચપેડ નંબર ૪ ઉપર સ્થાપિત કરવામાં આવ્યું હતું અને દરિયાની સપાટી ઉપર હવામાં સ્થિત લક્ષ્ય પર નિશાન સાધવા માટે આ મિસાઇલે ઉંડાણ ભરી હતી. બહુસ્તરીય બેલાસ્ટિક મિસાઇલ સંરક્ષણ પ્રણાલી વિકસિત કરવાના પ્રયાસો હેઠળ વિકસિત કરવામાં આવેલી આ મિસાઇલ દુશ્મન તરફથી આવનાર મિસાઇલોને નષ્ટ કરવામાં સંપૂર્ણપણે સક્ષમ છે. પૂર્વ પરીક્ષણમાં મિસાઇલની ક્ષમતા સહિત બીજા માપદંડોનું સમર્થન કરવામાં આવી ચુક્યું છે. ગુરુવારના દિવસે આનુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઇન્ટરસેપ્ટર મિસાઇલ સાડા સાત મીટર લાંબી અને નક્કર રોકેટ સંચાલિત મિસાઇલ છે. એક હાઈટેક કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ચીજો તેમાં ગોઠવાયેલી છે.
ઇન્ટરસેપ્ટર મિસાઇલનું ૭.૪ મીટર લાંબી સોલીડ રોકેટની મદદથી છોડવામાં આવ્યા બાદ વૈજ્ઞાનિકો દ્વારા તેના ઉપર નજર રાખવામાં આવી હતી. ઓરિસ્સાના બાલેશ્વર ખાતે સુપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં ટોપના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આને લઇને આશા પણ વ્યક્ત કરી હતી. આ મિસાઇલ ભારતની ક્ષમતાને અનેકગણી વધારે છે.