વરસાદ અને ભૂસ્ખલનના લીધે બદ્રીનાથ-યમુનોત્રી હાઇવે બંધ, ગુજરાતના ૪૦ શ્રદ્ધાળુઓ અટવાયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઉત્તરાખંડ : ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલના લીધે મુસીબત ઊભી થઈ છે. ચમોલીમાં બદ્રીનાથ હાઇવેનો વૈકલ્પિક માર્ગ નંદપ્રયાગ સેકોટ કોઠિયાલસેન માર્ગ ભૂસ્ખલનના લીધે બંધ થઈ ગયો છે. જ્યારે યમુનોત્રી, બદ્રીનાથ હાઇવે પણ બંધ પડ્યો છે. ત્યારે ચારધામની યાત્રાએ નીકળેલા બનાસકાંઠા પાલનપુરના ૪૦ શ્રદ્ધાળુઓ પણ યમુનોત્રી માર્ગ પર ફસાયા છે. આ માર્ગ પર ભૂસ્ખલનના કારણે મોટી શીલાઓ રસ્તા ઉપર પડતાં રસ્તો બંધ થઈ ગયો છે. તો બીજી તરફ થરાલી ચેપડો પાસે થરાલી દેવાલ મોટર માર્ગ પર ભૂસ્ખલનના લીધે ચીડના બે મોટા વૃક્ષો રસ્તા પડી ગયા હોવાથી ૧૨ કલાકથી રસ્તો બંધ છે. જેસીબીની મદદથી તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ નિષ્ફળતા મળી છે. જ્યારે કર્ણપ્રયાગ પાસે ચટવાપીપલમાં બદ્રીનાથ હાઇવે બંધ છે. અહીં અનેક શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. યમુનોત્રી હાઇવે પર પથ્થરો ધસી પડતાં ઠેર-ઠેર હાઇવે બંધ છે, જેના લીધે શ્રદ્ધાળુઓની સાથે-સાથે સ્થાનિક લોકો પણ હાઇવે ખુલવાની રાહ જાેઈ રહ્યા છે. યમુનોત્રી હાઇવે રાડી નજીક બંધ થતાં યમુના ઘાટીના જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે. ભારે વરસાદના કારણે શનિવારે બદ્રીનાથ નેશનલ હાઇવે પર અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું છે, જેથી લામબગડ, નંદપ્રયાગ, સોનાલ અને બૈરાજ કુંજમાં રસ્તા બ્લોક થઈ ગયા છે. ચમોલી પોલીસે જણાવ્યું હતું કે જિલ્લામાં ભારે વરસાદના લીધે બદ્રીનાથ નેશનલ હાઇવે પર ઠેર-ઠેર ભૂસ્ખલન જાેવા મળ્યું છે, જેથી ઘણા રસ્તા બ્લોક થઈ ચૂક્યા છે.

Share This Article