દેશના પાટનગર નવી દિલ્હીમાં સોમવાર ૨૩મી ડિસેમ્બરે નેશનલ એવોર્ડ કાર્યક્રમનું આયોજન વિજ્ઞાન ભવનમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ૬૬માં નેશનલ એવોર્ડનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે અનેક સ્ટાર અભિનેતા ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે નેશનલ એવોર્ડમાં બેસ્ટ એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મનો એવોર્ડ ફિલ્મ બધાઈ હોને મળ્યો હતો. સુપરહિટ આ ફિલ્મના ડાયરેક્ટર અમિત રવિન્દ્રનાથ શર્માને ઉપરાષ્ટ્રપતિએ એવોર્ડ આપ્યો હતો. વર્ષ ૨૦૧૮માં રજૂ થયેલી સુપરહિટ ફિલ્મ માટે જાણિતી અભિનેત્રી સુરેખા સીકરીને પણ બેસ્ટ સપોર્ટિન્ગ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.
આયુષ્યમાન ખુરાના, નીના ગુપ્તા, ગજરાજ રાવ, સુરેખા સીકરી અને સાન્યા મલ્હોત્રાની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મની પટકથામાં નકુલ (૨૫) એટલે કે આયુષ્યમાન ખુરાના એક કોર્પોરેટ કંપનીમાં કામ કરે છે. તે પોતાના પિતા જિતેન્દ્ર કૌશિક (ગજરાજ રાવ), પ્રિયમવદા (નીના ગુપ્તા) અને ભાઈ ગુલર (શાર્દુલ રાણા) અને દાદી (સુરેખા સિકરી) સાથે રહે છે. અચાનક નકુલના પિતા એક પરેશાન કરનાર માહિતી ઘરના સભ્યોને આપે છે. તેઓ કહે છે કે, તેમની પત્નિ પ્રેગ્નેટ છે અને આ સાંભળી ઘરવાળા જ નહીં પરંતુ મહોલ્લામાં રહેતા તમામ લોકો આશ્ચર્યચકિત થઇ જાય છે. જંગલી પિક્ચર અને ક્રોમ પિક્ચરની આ ફિલ્મને અમિત શર્મા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા જંગલી પિક્સર્સે તલવાર, બરેલી કી બર્ફી અને રાજી જેવી સુપરહિટ ફિલ્મો બનાવી હતી.