અમદાવાદ : શહેરના લાંભા ગામમાં આવેલા કોટરાનગર વિસ્તારમાં પાણીના ખાડામાં ડૂબી જવાથી દોઢ વર્ષના બાળકનું મોત થયું હોવાની ઘટના બનતાં ભારે ચકચાર મચી ગઇ હતી. જા કે, દોઢ વર્ષના બાળકનું આ પ્રકારે મોત નીપજતાં સ્થાનિક લોકોમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. અમરાઇવાડીમાં રહેતો બાળક તેના પિતા સાથે તેના દાદાના ઘરે આવ્યો હતો ત્યારે સાંજના સમયે બહાર રમતાં ગટરના પાણીના ખાડામાં ડૂબી જતાં મોતને ભેટ્યો હતો.
આ અંગે અસલાલી પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમરાઈવાડીના સત્યમનગર પાસે આવેલા શાસ્ત્રીનગરમાં દિનેશભાઇ રાજપૂત પોતાના પરિવાર સાથે રહે છે. ગઈકાલે તેઓ લાંભા ગામમાં આવેલા કોટરાનગર વિસ્તારમાં રહેતા તેમના પિતાના ઘરે તેમની તબિયત પૂછવા માટે પરિવાર સાથે ગયા હતા. સાંજના સમયે બધા સભ્યો ઘરમાં હતા. દિનેશભાઈનો દોઢ વર્ષીય પુત્ર હર્ષિત ઘરની બહાર રમતો હતો.
મોડી સાંજ સુધી હર્ષિત ઘરની બહાર ન જનતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી. આસપાસના વિસ્તાર અને ઘરમાં તપાસ કરવા છતાં તેની કોઈ ભાળ મળી ન હતી. છેવટે એક ઘરની બહાર ગટરના ખાડામાં તપાસ કરતા હર્ષિતનો મૃતદેહ મળી આવ્યો હતો. હર્ષિતને હોસ્પિટલ લઇ જતાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. સાંજે સાતેક વાગ્યાની આસપાસ હર્ષિત ઘરની બહાર રમતો હતો ત્યારે એક મકાનની બહાર ગંદા પાણીના નિકાલ માટે ખાડો કર્યો હતો તેમાં તે પડી ગયો હતો. ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. નાના બાળકનું મૃત્યુ થતાં પરિવારમાં આક્રંદ છવાયો હતો. અસલાલી પોલીસે બાળકની લાશને પીએમ માટે મોકલી અકસ્માતે મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે. બનાવને પગલે સ્થાનિક રહીશોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.