લખનૌ : બાબરી મસ્જિદ ધ્વંસને ૨૬ વર્ષ થઈ ગયા છે પરંતુ ઘણા વિવાદો અને પ્રશ્નોનો ઉકેલ હજુ સુધી આવી શક્યો નથી. છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ૧૬મી સદીની મસ્જિદને તોડી પાડવામાં આવી હતી ત્યારબાદ મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં મુંબઈ અને અન્ય વિસ્તારોમાં વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી અને આ હિંસાનો દોર ઘણા સમય સુધી ચાલ્યો હતો. બાબરી મસ્જિદને રામ જન્મ ભૂમિ તરીકે જાણીતી જમીન પર ફરી કબજા જમાવવાના પ્રયાસરૂપે હિન્દુ કાર સેવકો દ્વારા તોડી પાડવામાં આવી હતી.
ઉત્તરપ્રદેશના ફેઝાબાદ જિલ્લાના અયોધ્યા શહેરમાં મસ્જિદ હતી. એ વખતે એક રાજકીય રેલી તોફાનમાં ફેરવાઇ ગઇ હતી. આ રાજકીય રેલીમાં આશરે ૧૫૦૦૦૦ લોકો હતા.જેમાં વિહીપ, સંઘ અને બાજપના નેતાઓ હતા. રેલીને લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જાશી, ઉમા ભારતીએ સંબોધન કર્યું હતુ. રેલીના પ્રથમ થોડાક કલાક દરમિયાન તંગ સ્થિતી રહી હતી. દેખાવો જારી રહ્યા હતા. રેલીના આયોજકો મસ્જિદને કોઇ નુકસાન નહી કરવાની ખાતરી આપી હતી પરંતુ ત્યારબાદમોટી સંખ્યામાં રહેલા હિન્દુ કારસેવકોએ મસ્જિદને તોડી પાડી હતી. બાબરી ધ્વંસનો બદલો લેવા માટે ત્યારબાદથી હજુ સુધી અનેક ત્રાસવાદી હુમલા કરવામાં આવી ચુક્યા છે. આ બનાવ બાદ બાંગલાદેશ અને પાકિસ્તાનમાં અનેક હિન્દુ ધાર્મિક સ્થળ પર હુમલા કરવામાં આવ્યા હતા. ખુબ મોટી સંખ્યામાં લોકોએ સમગ્ર મસ્જિદને કલાકોના ગાળામાં જ તોડી પાડી હતી. શહેરમાં અનેક અન્ય મસ્જિદોને પણ તોડી પાડી હતી. ઝનુની તત્વો પાસે અનેક પ્રકારના સાધનો હતા જેના મારફતે મસ્જિદને તોડી પડાઇ હતી.
ધાર્મિક કાર્યક્રમ એકાએક હિંસામાં ફેરવાઈ જતા આ મસ્જિદને આ હિંસા વેળા તોડી પાડવામાં આવી હતી. બાબરી મસ્જિદ ધ્વંસના પરિણામે હિન્દુ અને મુસ્લિમ સમુદાયના વચ્ચે મહિનાઓ સુધી આંતરકોમવાદી હિંસાનો દોર ચાલ્યો હતો જેથી ૨૦૦૦થી વધુ લોકોના મોત થયા હતા. અયોધ્યા શહેરને હિન્દુ લોકો ભગવાન રામના જન્મ સ્થળ તરીકે ગણે છે અને તેને સૌથી પવિત્ર સ્થળ તરીકે ગણે છે. ૧૫૨૮માં મુઘલોના આક્રમણ બાદ મુઘલ મીરબાંકીએ મસ્જિદ બનાવી હતી. બાંકીએ આ સ્થળ પર રામના પહેલાથી જ રહેલા મંદિરને તોડી પાડીને મસ્જિદ બનાવી હતી. ત્યારબાદ આનું નામ બાબર પર આપવામાં આવ્યુ હતુ. વર્ષો સુધી આ સ્થળે હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો ધાર્મિક વિધિ કરતા હતા. સપ્ટેમ્બર ૧૯૯૦માં અડવાણીએ રથયાત્રા કાઢી હતી. અયોધ્યા સંઘર્ષ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી હતી. છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે ભાજપ અને અન્ય સંસ્થાઓના લોકોએ આ સ્થળ પર મંદિરના નિર્માણ માટે પ્રતિક ધાર્મિક વિધિ કરી હતી. આ સમારોહમાં ૧૫૦૦૦૦ કારસેવકો સામેલ થયા હતા. અને એ જ દિવસે મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. બાબરી મસ્જિદની વરસી પહેલા તેના સમગ્ર ઉત્તરપ્રદેશમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી વરસી શાંતિપૂર્ણ પસાર થતા તંત્રએ રાહત અનુભવી હતી.