પુસ્તક હોય, પ્રતિમા હોય, આકૃતિ હોય, પ્રતિકૃતિ, કે પછી ચિત્ર હોય તેમાં નિવાસ કરનાર ભગવાન ને તો આપણે જોયા નથી તોય દિલથી માનીએ છીએ, પરંતુ હકીકતના ભગવાનને જોવાનો, જાણવાનો અને માણવાનો જે અવસર મળ્યો છે તે છે ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી. તેઓ સાચે જ દલિત સમાજ માટે ભગવાન હતા.
ગુલામીની જંજીરોમાં ભારતને ફક્ત અંગ્રેજોએ જ નહોતા જકડ્યા, એક માણસ પણ જવાબદાર હતો બીજા માણસની ગુલામી કરવા માટે. દુર્વ્યવહાર અને દુરાચારનો શિકાર માણસ જ માણસને બનાવતો આવ્યો છે, સ્ત્રીઓ માટે લક્ષ્મણ રેખા ખેંચનાર અને પુરુષોને પૂર્ણ સ્વતંત્રતા જેવા નિયમોની બેડીઓ બનાવનાર માણસ જ છેને. અરે, માણસે તો ખુદનાજ અસ્તિત્વને જાતિપ્રથામાં વહેંચી દીધું છે એટલે કે જે જાતિમાં જન્મ તેમાં જ લગ્ન. જાતિ પ્રથાને કારણે માણસ હવે માણસ રહ્યો નથી.
દરેક માણસે માણસાઈ મરી ગઇ છે, કારણ પારકાઈ ઘર કરી ગઇ છે. અને પહેલાના જમાનામાં પણ નીચી જાતિના એટલે કે જેઓને અસ્પૃશ્યની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે તેઓની સાથે ઢોર ઢાંખર જેવો વ્યવહાર કરવામા આવતો હતો, તેઓને હીન માનવામાં આવતા હતા, તેઓને મંદિર માં પ્રવેશવા દેવામાં આવતા ન હતા. મંદિર બહાર તેઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવતી હતી. તેઓએ સ્પૃશ્ય લોકો સાથે બેસવું નહીં, તેમને અડવું નહીં. જેવા કેટલાય બંધનોમાં બાંધવામાં આવ્યા હતા અને જોવા જેવી વાત તો એ હતી કે, ધર્મ પરિવર્તન કરી લે એટલેકે તેઓ ખ્રિસ્તી કે પછી બીજો કોઈ ધર્મ અપનાવી લે તો તે સ્પૃશ્ય થઈ જાય છે. પછી તેઓના પ્રત્યેનું વલણ જ બદલાઈ જાય છે. તેઓને જોવાનો નજરીયો પણ બદલાઈ જાય છે. – પરંતુ શું ધર્માંતરણ કરવાથી તેઓના પૂર્વજો બદલાઈ જશે ?
એક પ્રશ્ન એ પણ છે કે – અસ્પૃશ્યોને મંદિરમાં જતા કેમ રોકવામાં આવે છે? ભગવાન માટે તો બધા જ ભક્તો સમાન છે અને જો ભક્તની વાત કરવામા આવે તો નીચી જાતિમાં પણ વાલ્મીકિ, તુકારામ, રવિદાસ જેવા પ્રખર ભકતો થઈ ગયા છે, જેઓ એક ઉદાહરણ રૂપ છે કે ભગવાન અને ભક્ત વચ્ચેની કડી માત્ર ને માત્ર ભક્તિ જ છે. મનમાં આસ્થા અને શ્રધ્ધા લઇને કોઇ પણ ભક્ત તેમના દરબારમાં હાજર થઈ શકે છે. ત્યાંતો દરેકને સમાન શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. તો આ શ્રેણી હકીકતમાં છે ક્યાં? ધર્મ પુસ્તકોમાં? અને તેને બનાવનાર કોણ? આપણે જ અને એટલે જ આપણે તેને માનતા આવ્યા છીએ. તો એનો અર્થ એ થયો કે આપણે ભગવાનથી પણ મોટા, એમ ને..?
બાબા સાહેબનું કહેવું હતું કે હિન્દુ ધર્મમાં એ ઠોકી બેસાડવામાં આવ્યું છે કે આ જ્ઞાતિ નો જન્મ આ જ કારણ માટે થયો છે, આ જ ઊંચી જાતિ છે, અને આ જ નીચી જાતિ. અને મનુસ્મૃતિ તેનું જ એક સચોટ ઉદાહરણ છે એટલે જ તેનું દહન જરૂરી હતું. પરંતુ પ્રશ્ન એ છે કે અસ્પૃશ્યોને એ હક નથી કે તેઓને પણ સર્વ સમાન અધિકાર મળે? માન સમ્માન મળે? સમાન દરજ્જો મળે? તેઓને પશુઓના મળમૂત્રથી પણ હીન માનવામાં આવતા હતા તો તેઓની રક્ષાનું શું?
અને એટલે જ તેઓના રક્ષક બનીને આવ્યા હતા બાબા સાહેબ. આમતો તે પહેલાં પણ જ્યોતિબા ફુલે, મહર્ષિ વિઠ્ઠલ, દયાનંદ સરસ્વતી જેવા કેટલાય મહાપુરુષો થઈ ગયા છે, જેમણે અસ્પૃશ્યતા નિવારવા પ્રયાસો કરેલ છે. પરંતુ બાબા સાહેબમાં એ ખાસ વાત હતી કે તેઓ પોતે પણ અસ્પૃશ્ય હતા. અને તેઓએ આ હિન્દુ સમાજમાં જાતિપ્રથાનું નિર્માણ કેવી રીતે થયું? ક્યાંથી થયું? કેટલા સમયથી છે? તેને નિવારવા કોણે પ્રયાસો કર્યા છે? શા કારણથી તેઓ સફળ નથી થયા? તેનું બરાબર મૂલ્યાંકન કર્યું છે. અને એટલેજ તેઓને સફળતા મળી છે. આ તેજસ્વી પુરુષે પોતાના પ્રખર તેજથી સૌને પ્રકાશી દીધા છે.
બાબા સાહેબનું માનવુ હતુ કે અસ્પૃશ્યતા એ ફક્ત અસ્પૃશ્યો પર જ નહી, સમગ્ર સમાજ ઉપર અને માનવતા ઉપર કલંક છે તેથી જ તેને સાફ કરવાનું કાર્ય અસ્પૃશ્યોએ ખુદ જ કરવું જોઈએ. અસ્પૃશ્યોના મનમાં સ્વયં જ આત્મસમ્માન અને સ્વાભિમાનની ભાવના જાગૃત થવી જરૂરી છે. બાબા સાહેબે સાચેજ ભીમ બનીને બતાવ્યું છે. સંપત્તિમાં જે સર્વ ને સમાન અધિકાર મળ્યો છે, સ્ત્રીઓ જે હવે છૂટથી હરી ફરી શકે છે, જે પોતાના હક માટે લડી શકે છે, સ્ત્રીઓ ને પણ સંપત્તિમાં જે પૂરે પૂરો અધિકાર મળ્યો છે. પૈતૃક અધિકારો, લગ્ન સંબંધિત અધિકારો, જીવન જીવવા ને લગતા કાયદા આ બધુ જ બાબા સાહેબની દેન છે. તેઓના કારણે જ આપણે માથું ઊંચું રાખી સમ્માનપૂર્વક જીવી શકીએ છીએ. તેઓનું સાચું સમ્માન તો ત્યારે જ છે, જ્યારે આપણે સૌ તેમની આ જ્યોતને પ્રજ્વલિત રાખીશું, તેમના જ નક્શેકદમ પર ચાલીશું, અને એક આદર્શ જીવન જીવીશું, ઊંચ – નીચ, નાત – જાત, સાથે ના બધા જ સંબંધો તોડી, માણસ માણસ પ્રત્યે પ્રેમ ભાવ રાખશું અને પૂરી નિષ્ઠા અને સાચી નીતિથી આપણા કર્તવ્યનું પાલન કરશું. આજ રોજ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ પર તેઓને આ પ્રતિજ્ઞાની ભેટ આપીશું.
- રાજશ્રી સાગર “ચિન્મયી”