નવીદિલ્હી : પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ અને અન્ય અનેક હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવનાર જૈશે મોહમ્મદના લીડર મસુદ અઝહરે પાકિસ્તાનની રાવલપિંડી સ્થિત આર્મી બેઝ હોસ્પિટલમાં બેસીને પોતાના હુમલાખોરોને પુલવામા હુમલાને અંજામ આપવા આદેશ કર્યો હતો. સીઆરપીએફના કાફલા ઉપર આત્મઘાતી હુમલો કરવા કહેવામાં આવ્યું હતું. અઝહરે એક વિડિયો જારી કરીને આ અંગેનો આદેશ કર્યો હતો. અઝહર છેલ્લા ચાર મહિનાથી આર્મી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેની સારવાર ચાલી રહી છે. તે કેટલીક બિમારીઓથી ગ્રસ્ત છે. મસુદ અઝહરને પુલવામા હુમલા માટે માસ્ટરમાઇન્ડ તરીકે ગણવામાં આવે છે.
છેલ્લા ચાર મહિનાથી મસુદ અઝહરની સારવાર ચાલી રહી છે. તેની માંદગીના કારણે ભારત સામે ઉપયોગ કરવામાં આવતા જેહાદી સંગઠનોના પાકિસ્તાન પ્રાયોજિત છત્ર સંગઠન યુનાઇટેડ જેહાદ કાઉન્સિલની છેલ્લી છ બેઠકોમાં તે હાજરી આપી શક્યો નથી. જા કે, પુલવામા ત્રાસવાદી હુમલા માટે તેના લોકોને સ્પષ્ટ સૂચના આપી રહ્યો હતો. હુમલાના આઠ દિવસ પહેલા જ એક ઓડિયો મેસેજ જારી કરીને હુમલા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો. ઓડિયો મેસેજમાં અઝહરે તેના ભત્રીજા ઉસ્માનનો બદલો લેવા તેના લોકોને કહ્યું હતું. ત્રાલમાં ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સુરક્ષા દળો દ્વારા ઉસ્માનને ઠાર મરાયો હતો. ભારત સામે બદલો લેવા તે છેલ્લા ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યો હતો.
મસુદ અઝહરે પોતાના લોકો માટે કેટલાક આદેશો પણ જારી કર્યા હતા. અઝહરે છેલ્લા હુમલા માટે તેની યોજના અંગે યુનાઈટેડ જેહાદ કાઉન્સિલમાં અન્ય સંગઠનો સાથે વાતચીત કરી ન હતી. અઝહરે ગુપ્તરીતે પોતાના વ્યક્તિને ભારત મોકલ્યા હતા જેમાં ગાઝી પણ સામેલ છે.