આઝમ બધી મહિલાઓની માફી માંગે તે જરૂરી : માયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લખનૌ : લોકસભાના કારોબારી અધ્યક્ષ અને મહિલા સાંસદ રમાદેવી ઉપર વાંધાજનક ટિપ્પણી કરીને સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન જોરદાર રીતે ફસાઈ ગયા છે. કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની, ભાજપના નેતા જયાપ્રદા સહિત અનેક દિગ્ગજ નેતાઓ દ્વારા આઝમ ખાનની જોરદાર નિંદા કરવામાં આવ્યા બાદ હવે બહુજન સમાજ પાર્ટીના નેતા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ પણ આઝમ ખાનના નિવેદનને અશોભનીયરીતે ગણાવીને આની નિંદા કરી છે અને કહ્યું છે કે, આઝમ ખાને તેમની ટિપ્પણી બદલ તમામ મહિલાઓની માફી માંગી લેવી જોઇએ.

બસપના વડા માયાવતીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરીને કહ્યું છે કે, યુપીથી સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન દ્વારા લોકસભામાં જે રીતે મહિલાઓની સામે અશોભનીય ટિપ્પણી કરી હતી તેનાથી મહિલાઓનું સન્માન ખોરવાઈ ગયું છે. તેમનું નિવેદન અતિ નિંદનીય છે. આના માટે તેમને સંસદમાં જ નહીં બલ્કે તમામ મહિલાઓની માફી માંગવી જોઇએ. કેન્દ્રીયમંત્રી નિર્મલા સીતારામને પણ કહ્યું હતું કે, સમગ્ર ગૃહમાં આ નિવેદનની ટિકા થઇ રહી છે. બીજી બાજુ સાંસદ રમાદેવીએ પણ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન સામે સંસદથી બહાર કરવાની માંગ કરી છે.

રમાદેવીનું કહેવું છે કે, આઝમ ખાનને સંસદમાં બહારનો રસ્તો બતાવી દેવો જોઇએ. ગુરુવારના દિવસે ત્રિપલ તલાક બિલ ઉપર લોકસભામાં ચર્ચા દરમિયાન જ્યારે આઝમ ખાન બોલવા માટે ઉભા થયા ત્યારે આઝમ ખાને મુખ્તાર અબ્બાસ નકવી ક્યાં છે તેવો પ્રશ્ન કર્યો હતો. આના જવાબમાં સ્પીકરે કહ્યું હતું કે, ચારેબાજુ જાયા વગર અને અન્ય વાત કર્યા વગર સીધીરીતે વિષય પર વાત કરવી જોઇએ. આને લઇને આઝમ ખાને ટિપ્પણી કરી હતી.

Share This Article