- ૧.૫ લાખ સ્વાસ્થ્ય અને વેલનેસ કેન્દ્રો માટે ૧૨૦૦ કરોડ રૂપિયાની ફાળવણી
- ૧૦ કરોડ થી વધુ ગરીબ અને નિર્બળ પરિવારોને સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવા માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના
સરકારે આજે આયુષ્યમાન કાર્યક્રમ અંતર્ગત સ્વાસ્થ્ય ક્ષેત્રમાં બે મહત્વપૂર્ણ પહેલોની જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણાં તેમજ કોર્પોરેટ બાબતોના મંત્રી અરૂણ જેટલીએ આજે સંસદમાં સામાન્ય અંદાજપત્ર ૨૦૧૮-૧૯ રજૂ કરતા જણાવ્યું હતું કે, આ યોજનાનો ઉદ્દેશ સ્વાસ્થ્ય સાથે જોડાયેલા પડકારોનો સમગ્ર રીતે સામનો કરવાનો છે. જે અંતર્ગત પ્રાથમિક, દ્વિતીય અને તૃતિય ક્ષેત્રોમાં સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવવા પર ધ્યાન આપવામાં આવશે.
આ પહેલની વાત કરીએ તો સ્વાસ્થ્ય તેમજ વેલનેસ કેન્દ્ર – રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ ૨૦૧૭માં ભારતની સ્વાસ્થ્ય પ્રણાલીનાં માળખાનાં રૂપમાં સ્વાસ્થ્ય અને આરોગ્ય કેન્દ્રની પરિકલ્પના કરાઈ છે. આ ૧.૫ લાખ કેન્દ્રો સ્વાસ્થ્ય દેખરેખ પ્રણાલીને લોકોનાં ઘરો સુધી પહોંચાડશે. આ સ્વાસથ્ય કેન્દ્રો બિનચેપી રોગો અને માતૃત્વ તથા બાળકોનાં સ્વાસ્થ્ય માટેની સેવાઓ સહિત વ્યાપક સ્વાસ્થ્ય દેખરેખ ઉપલબ્ધ કરાવશે. આ કેન્દ્ર જરૂરી દવાઓ અને નિદાનકારી સેવાઓ પણ મફતમાં આપશે. આ મહત્વપૂર્ણ કાર્ય માટે ૧૨૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. આ કેન્દ્રને અપનાવવા માટે સીએસઆર અને લોકોપકારી સંસ્થાઓ દ્વારા ખાનગી ક્ષેત્રને આમંત્રિત કરાયા છે.
જ્યારે બીજી પહેલ મુજબ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંરક્ષણ યોજના – આયુષ્યમાન ભારત અંતર્ગત એ દુરોગામી પહેલો દ્વારા ૧૦ કરોડથી વધુ ગરીબ તેમજ નબળા પરિવારો (લગભગ ૫૦ કરોડ લાભાર્થી)નો સમાવેશ કરવા માટે એક મુખ્ય રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંરક્ષણ યોજના શરૂ કરાશે જે અંતર્ગત દ્વિતીય અને તૃતીય દેખરેખ માટે હોસ્પિટલમાં દાખલ થવા પ્રતિ પરિવાર ૫ લાખ રૂપિયા પ્રતિ વર્ષ સુધીનું રક્ષણ અપાશે. આ વિશ્વનો સૌથી મોટો સરકારી ભંડોળથી ચાલતો આરોગ્ય સંભાળ કાર્યક્રમ હશે. આ કાર્યક્રમનાં સૂચારૂ અમલીકરણ હેતુ પર્યાપ્ત ભંડોળની ફાળવણી કરાશે.
નાણાં મંત્રીએ કહ્યું કે આયુષ્યમાન ભારત અંતર્ગત આ બે સ્વાસ્થ્ય ક્ષેત્રની પહેલો ન્યુ ઇન્ડિયા ૨૦૨૨નું નિર્માણ કરશે અને તેનાથી સંબંધિત ઉત્પાદકતા, કલ્યાણમાં વૃદ્ધિ થશે અને આનાથી મજૂરીના નુકસાન અને દરિદ્રતાથી બચી શકાશે. આ યોજનાઓથી ખાસ કરીને મહિલાઓ માટે રોજગારીની લાખો તકોનું સર્જન થશે.
નાણાં મંત્રીએ કહ્યું કે ગુણવત્તાપૂર્ણ ચિકિત્સા શિક્ષણ અને સ્વાસ્થ્ય દેખરેખની પહોંચમાં વૃદ્ધિ કરવાના ઉદ્દેશ્યથી દેશમાં વર્તમાન જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને ૨૪ નવી સરકારી ચિકિત્સા કોલેજ અને હોસ્પિટલોની સ્થાપના કરાશે. આ પગલા દ્વારા એ સુનિશ્ચિત થશે કે પ્રત્યેક ૩ સંસદીય ક્ષેત્રો માટે ઓછામાં ઓછી એક ચિકિત્સા કોલેજ અને દેશના પ્રત્યેક રાજ્યમાં ઓછામાં ઓછી એક સરકારી ચિકિત્સા કોલેજ ઉપલબ્ધ થાય.