કેન્દ્ર સરકારે દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના ‘આયુષમાન ભારત’ દ્વારા સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો ઇલાજ કરનાર ડોકટરો અને કર્મચારીઓને વધારાનું ઇન્સેન્ટિવ આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર દેશની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના આયુષમાન ભારતને સારી રીતે ચલાવવા અને આ યોજનાનું મોટા પાયે વિસ્તરણ કરવાના હેતુસર સરકારી હોસ્પિટલોના ડોકટરોથી લઇને અન્ય કર્મચારીઓને ઇન્સેન્ટિવ આપશે. અહેવાલો અનુસાર સરકારના આ નિર્ણય હેઠળ ઇન્સેન્ટિવની રકમ પ્રતિ ડોકટર વાર્ષિક રૂ.એક લાખથી ત્રણ લાખ સુધીની હોઇ શકે છે.
‘રાષ્ટ્રીય ચિકિત્સક દિવસ’ પર વધારે કામ કરનાર તેમજ ક્ષમતા કરતાં અનેકગણા વધુ દર્દીઓનો ઇલાજ કરનાર ડોકટરોને અલગથી સન્માન આપવાની એક યોજના સરકારે તૈયાર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ચિકિત્સક દિવસ પર દર્દીઓની સંખ્યા બાકીના દિવસોથી અપેક્ષા કરતાં વધુ રહે છે અને તેને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય કર્યો છે. આયુષમાન ભારત હેઠળ જેટલા પણ દર્દીઓની સરકારી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવશે તેમને હોસ્પિટલ આ સારવારની રકમ માટે ક્લેઇમ કરશે.
અહેવાલો અનુસાર આયુષમાન ભારત યોજના હેઠળ સરકારી હોસ્પિટલમાં સારવાર કરાયેલ દર્દીઓનું એક સ્ટેટમેન્ટને સરકારને હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવશે અને તેના આધારે કલેમ કરવામાં આવશે. આ માટે હોસ્પિટલમાં એક અલગ સમિતિની રચના કરવામાં આવશે. જે આ પ્રક્રિયા પર કામ કરશે. એક વર્ષ સુધી હોસ્પિટલ દ્વારા કલેઇમ કરવામાં આવનાર નાણાં જમા થશે અને તેની લગભગ રપ ટકા જેટલી રકમ ડોકટરો અને અન્ય કર્મચારીઓને ઇન્સેન્ટિવ તરીકે આપવામાં આવશે. જ્યારે બાકીની ૭પ ટકા રકમનો ઉપયોગ હોસ્પિટલની ઇમારત અને ગુણવત્તા પાછળ ખર્ચાશે.