નવી દિલ્હી : અયોધ્યા કેસ મામલામાં સુપ્રીમ કોર્ટમાં દરરોજની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. આ સંવેદનશીલ મામલામાં તમામની નજર કેન્દ્રિત થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં જુદી જુદી દલીલો લઈને સુનાવણી થતી રહી છે પરંતુ કોઈ મહત્વનો ચુકાદો આ મામલામાં આપવામાં આવ્યો નથી. સુપ્રીમ કોર્ટે પણ વારંવાર જુદા જુદા સુચનો કર્યા છે. જેના આધાર ઉપર મધ્યસ્થતા પણ થઈ ચુકી છે. છેલ્લે ૧૫૫ દિવસ મધ્યસ્થતા ચાલી હતી પરંતુ સફળતા મળી નથી.
હવે જુદા જુદા પક્ષો તરફથી રજુઆત થશે. નિરમોહી અખાડા, રામ લલા વિરાજમાન, મુસ્લિમ પક્ષો તરફથી રજુઆત કરવામાં આવશે. ખુબ જ જટિલ અને સંવેદનશીલ કેસ વર્ષોથી પેન્ડિંગ રહેલો છે. રામ મંદિર માટે થયેલા આંદોલન દરમિયાન છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ મામલો ખુબ જુનો છે. સમગ્ર મામલામાં અપરાધિક કેસની સાથે સાથે અન્ય કેસ પણ ચાલે છે. ટાઇટલ વિવાદ સાથે સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી પેન્ડિંગ છે.
અલ્હાબાદ હાઈકોર્ટે ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે અયોધ્યા ટાઇટલ વિવાદમાં ચુકાદો આપ્યો હતો જેમાં વિવાદાસ્પદ જમીનને ત્રણ સરખા હિસ્સામાં વિભાજિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી આ સમગ્ર મામલે યથાસ્થિતિ રાખવામાં આવી છે. કોઈ વધારે પ્રગતિ થઈ શકી નથી. ૯મી મે ૨૦૧૧ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમે સ્ટે મુકી દીધો હતો.
તમામ પક્ષોની અરજીઓ સુપ્રીમમાં રહેલી છે. અયોધ્યા મામલામાં ટાઇટલ વિવાદને લઇને સુપ્રીમ કોર્ટમાં તમામ પક્ષકારો તરફથી વિશેષ મંજુરી અરજી દાખલ કરવામાં આવી હતી. અયોધ્યાના વિવાદાસ્પદ માળખાને લઇને હાઈકોર્ટે જે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ તમામ પક્ષકારો તરફથી સુપ્રીમ કોર્ટમાં એસએલપી દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.