નવી દિલ્હી : સામાન્ય ચૂંટણીથી પહેલા અયોધ્યાને લઇને દરરોજ નવી નવી વિગતો સપાટી ઉપર આવી રહી છે. ગયા સપ્તાહમાં જ કેન્દ્ર સરકારે બિનવિવાદાસ્પદ જમીન પરત કરી દેવા માટે અરજી કરવામાં આવી હતી. હવે આ અરજીના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરવામાં આવી છે. અરજી કરનાર લોકોએ જમીન અધિગ્રહણ કાયદાની કાયદેસરતા ઉપર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની અરજી ઉપર સુનાવણી હવે ટૂંક સમયમાં જ કરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનાર લોકોનું કહેવું છે કે, રાજ્ય યાદીના વિષયોની આડમાં કેન્દ્ર સરકાર રાજ્યની જમીન અધિકૃત કરી શકે નહીં. ગયા સપ્તાહમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ૬૭ એકર જમીન મૂળ માલિકોને સોંપી દેવા રજૂઆત કરી હતી.
સરકારના આ પગલાનું રામ જન્મભૂમિ ન્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કેટલાક સંગઠનોએ વિરોધ કર્યો હતો. ગઇકાલે જ ભાજપ પ્રમુખ અમિત શાહે એક કાર્યક્રમમાં તમામ પક્ષોને સહકાર આપવા કહ્યું હતું. કેન્દ્ર સરકારે બિનવિવાદાસ્પદ જમીન પરત આપવાની અરજી કરીને આ જમીન મૂળ માલિકને સોંપી દેવા કહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રામજન્મભૂમિ વિવાદના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે આખરે મોટુ પગલુ લીધુ હતું. ૨૯મી જાન્યુઆરીના દિવસે સરકારે બિનવિવાદાસ્પદ જમીન પરત કરવાની અરજી દાખલ કરી હતી. મોદી સરકારની આ હિલચાલને ખુબ નિર્ણાયક ગણવામાં આવે છે. સરકારે અયોધ્યા વિવાદ મામલામાં વિવાદાસ્પદ જમીનને છોડીને બાકી જમીનને પરત કરવા અને તેના પર જારી યથાસ્થિતીને દૂર કરવા માટેની માંગ કરી હતી. આને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સરકારે પોતાની અરજીમાં ૬૭ એકર જમીનમાંથી કેટલાક હિસ્સાને સોંપી દેવા માટેની માંગ કરી હતી. આ ૬૭ એકર જમીન ૨.૬૭ એકર વિવાદાસ્પદ જમીનની ચારેબાજુ સ્થિત છે. સુપ્રીમ કોર્ટે વિવાદાસ્પદ જમીન સહિત ૬૭ એકર જમીન પર યથાવસ્થિતી જાળવી રાખવા માટેનો આદેશ આપ્યો હતો. સરકારના આ નિર્ણયનુ વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુવાદી સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું.
વર્ષ ૧૯૯૩માં કેન્દ્ર સરકારે અયોધ્યા અધિગ્રહણ એક્ટ હેઠળ વિવાદાસ્પદ સ્થળ અને આસપાસની જમીનનુ અધિગ્રહણ કરી લીધુ હતુ અને પહેલાથી જ જમીન વિવાદને લઇને દાખલ તમામ અરજીઓને ફગાવી દીધી હતી. સરકારના આ એક્ટને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ રામજન્મભૂમિ જમીનની આસપાસની વધારાની જમીનને પરત કરી દેવાની માંગ કરી હતી. કેન્દ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. મોદી સરકાર દ્વારા આમાં તર્કદાર દલીલો કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે વધારાની જમીનનો ઉપયોગ ઇનગ્રેસ આપવા માટે કરવાનો નિર્ણય કર્યો છે. અત્રે નોંધનીય છે કે, અયોધ્યા મામલાની સુનાવણી માટે ૨૫મી જાન્યુઆરીના દિવસે દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ આખરે નવી બેંચની રચના કરી હતી. આ બેંચમાં જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ અબ્દુલ નઝીર સામેલ કરવામાં આવ્યા હતા અને ૨૯મી જાન્યુઆરીના દિવસે પાંચ જજની બેંચ દ્વારા મામલાની સુનાવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ હવે આજે પણ આ મામલે સુનાવણી થઇ શકી ન હતી. તારીખ પર તારીખ પડવાનો સિલસિલો જારી રહ્યો છે.