અમદાવાદ : યોગગુરૂ બાબા રામદેવ આજે એક કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદની મુલાકાતે હતા ત્યારે ફરી એકવાર મીડિયા સાથેની વાતચીતમાં તેમણે રામમંદિરના નિર્માણનો પુનરોચ્ચાર કર્યો હતો. રામ મંદિર વિશે વાત કરતા બાબા રામદેવે જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિરને લઇને હવે લોકોની ધીરજ ખૂટી રહી છે. રામ મંદિર અયોધ્યામાં જ બનવું જોઇએ. જો રામ મંદિર અત્યારે નહીં બને તો ક્યારેય નહીં બને. યુપીમાં યોગી રાજ છે અને દેશમાં મોદીજી છે તો રામ મંદિર શા માટે ન બને? એવો સૂચક પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો.
બાબા રામદેવે રામ મંદિર સહિતનાં મુદ્દાઓ પર પોતાના મંતવ્યો જણાવ્યા હતા અને દેશમાં સત્તાસ્થાને બિરાજમાન રાજનેતાઓને રાજધર્મ નિભાવવાની અને દેશનાં મહત્વનાં મુદ્દાઓ વાત કરવાની તેમણે બહુ સૂચક અપીલ કરી હતી. બાબા રામદેવે વધુમાં જણાવ્યું કે, જો રામ મંદિર નહીં બને તો લોકોનો ભાજપ સરકાર પરથી ભરોસો ઉઠી જશે અને ભાજપને આવનારી ચૂંટણીમાં નુકસાન થશે. આ ઉપરાંત બાબા રામદેવે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનાં મુદ્દે કહ્યું કે, અમદાવાદનું નામ કર્ણાવતી થવું જ જોઇએ.
બાબા રામદેવે તાજેતરમાં ઉઠેલા હનુમાનજીની જાતીને લઇને ઉઠેલા પ્રશ્નો પર કહ્યું કે, પૂર્વજોની જાતી અંગે કોઈ ટીપ્પણી ના કરવી જોઇએ. હનુમાનજી ફોર ઇન વન હતા. ભારતમાં ક્યારેય જાતી આધારિત વ્યવસ્થા નહોતી. દેવી-દેવતા અને મહાપુરૂષોની જાતી પર વિવાદ ના થવો જોઇએ. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ભારતમાં વસતા તમામ લોકો હિંદૂ જ છે. રાજનેતા તેમનો રાજધર્મ નીભાવે અને દેશની સમસ્યા અંગે ચર્ચા કરે. કાળુ ધન અને મોંઘવારી વિશે ચર્ચા કરવી જોઇએ. ઉલ્લેખનીય છે કે, બાબા રામદેવ દ્વારા છેલ્લા કેટલાક વખતથી અયોધ્યાને લઇ બહુ મક્કમતા સાથે તાકીદે રામમંદિર નિર્માણની વાત રજૂ કરવામાં આવે છે, જેને લઇ ભાજપ સહિતના પક્ષોમાં પણ આ મામલો ગરમાઇ રહ્યો છે.