મુંબઈ : અયોધ્યા વિવાદની સુનાવણી આગામી વર્ષ સુધી ટાળી દેવાના નિર્ણયને લઇને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કહ્યું છે કે, આ મામલા પર તેમને વહેલીતકે નિર્ણયની અપેક્ષા હતી પરંતુ કોર્ટે આને ટાળીને ઇંતજારને વધારી દીધો છે. સંઘે રામ મંદિર નિર્માણ માટે વટહુકમ લાવવા માટેની જોરદાર માંગ કરી છે. સંઘે કહ્યું છે કે, જો જરૂરી થશે તો તે રામ મંદિર માટે ૧૯૯૨ની જેમ જ આંદોલન પણ કરશે. સંઘે કહ્યું છે કે, સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એમ કહ્યું છે કે, અમારી પ્રાથમિકતા જુદી છે આના કારણે હિન્દુ સમાજ અપમાનિત અનુભવ કરે છે.
સંઘના સર કાર્યવાહક ભૈયાજી જાશીએ આજે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, રામ મંદિર નિર્માણની પ્રતિક્ષા લાંબી થતી જાય છે. આ મામલાની સુનાવણીને લઇને સાત વર્ષનો સમય થઇ ગયો છે જ્યારે ત્રણ જજની બેંચ બની હતી ત્યારે આશા હતી કે, આ મામલા પર વહેલીતકે નિર્ણય આવશે. આના ઉપર વિલંબને લઇને હવે પ્રશ્નો થઇ રહ્યા છે. કોર્ટે નવા નામની જાહેરાત કરી હતી. કોર્ટે ૨૯મી ઓક્ટોબર સુધી પહેલા આ મામલાને ટાળી દીધો હતો. હવે આને જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવ્યો છે. હિન્દુ સમુદાયના લોકો અપમાન અનુભવ કરી રહ્યા છે. જાશીએ કહ્યું હતું કે, ભગવાન રામ તમામના હૃદયમાં રહે છે. ભગવાન મંદિરમાં રહે છે. અમે કોઇપણ કિંમતે મંદિર નિર્માણ ઇચ્છીએ છીએ. અમે ૩૦ વર્ષથી મંદિર માટે આંદોલન કરી રહ્યા છે. કેટલીક કાયદાકીય અડચણો છે. કોર્ટ હિન્દુ સમાજની ભાવનાઓને સમજીને ન્યાય આપે તે ખુબ જરૂરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી ટાળવાના પ્રશ્ન પર જાશીએ કહ્યું હતું કે, આ કોર્ટનો અધિકાર છે.
તેમના અધિકાર ઉપર અમે ટિપ્પણી કરવા માંગતા નથી પરંતુ તેમની પ્રાથમિકતા જુદી હોવાના નિવેદનથી અમને દુખ થયું છે. કરોડો હિન્દુ સમાજની ભાવનાઓની શ્રદ્ધા સાથે જાડાયેલા આ મુદ્દા ઉપર જે રીતે સુપ્રીમ કોર્ટે જવાબ આપ્યો છે તેનાથી હિન્દુ સમાજના લોકો અપમાનિત કરી રહ્યા છે. કરોડો હિન્દુ લોકોની આસ્થા કોર્ટની પ્રાથમિકતા નથી તે આશ્ચર્યજનક છે. અમે ક્યારે પણ કોર્ટની ઉપેક્ષા કરી રહ્યા નથી પરંતુ કોર્ટના સમાજની ભાવનાઓનું સન્માન કરે તે જરૂરી છે. અમે બંધારણની ભાવનાઓનું સન્માન કરનારા લોકોમાંથી છીએ. કોર્ટ આ મામલાને પ્રાથમિકતા સાથે હાથ ધરે તે જરૂરી છે. જોશીએ કહ્યું છે કે, જા રામ મંદિરને લઇને કોઇ વિકલ્પ નથી તો સરકાર વટહુકમ પર વિચારણા કરી શકે છે. સરકાર જો વટહુકમ લાવશે તો અમે પ્રતિક્રિયા આપીશું. નરસિંહ રાવ સરકાર દરમિયાન કેન્દ્ર સરકારે જે એફિડેવિટ દાખલ કરી હતી તેના ઉપર કામ થવું જાઇએ.