નવી દિલ્હી: ખુબ જ સંવેદનશીલ અને ચર્ચાસ્પદ અયોધ્યા મામલામાં સુનાવણી આજે પણ યથાવત રીતે જારી રહી હતી. ત્રણ દિવસની રજા બાદ સુનાવણી શરૂ થઇ હતી. આજે રામલલા વિરાજમાનના વકીલ તરફથી તર્કદાર દલીલો કરવામાં આવી હતી. તેમના તરફથી વિવાદાસ્પદ ૨.૭૭ એકર જમીન પર પોતાનો દાવો દર્શાવવામાં આવ્યો છે. સમગ્ર મામલામાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના નેતૃત્વમાં પાંચ સભ્યોની બંધારણીય બેંચ દ્વારા સુનાવણી કરવામાં આવી રહી છે.
બંધારણીય બેંચમાં કરવામાં આવી રહેલી સુનાવણી પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. અયોધ્યા કેસમાં દરરોજના આધાર પર સુનાવણી કરવામાં આવી રહી છે. પહેલા સપ્તાહમાં ત્રણ દિવસ સુનાવણી કરવાની વાત કરવામાં આવી હતી. હવે જુની પરંપરાને તોડીને સપ્તાહમાં પાંચ દિવસ સુનાવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી સુનાવણીમાં જુદા જુદા પક્ષો તરફથી તર્કદાર દલીલો કરવામાં આવી રહી છે. આજે રામલલા માટે દલીલો કરનાર વકીલની દલીલો પૂર્ણ થઇ ગઇ છે.
હજુ સુધી અનેક જોરદાર રજૂઆત કરવામાં આવી ચુકી છે. અયોધ્યા કેસ વર્ષોથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ રહેલો છે. કારણ કે દલીલો અને વળતી દલીલો જારી રહી છે.