એવોર્ડ માટે ૩૧ માર્ચ સુધીમાં અરજી કરવી
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પર્વતારોહણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર રાજ્યના સાહસિક પર્વતારોહકોને સન્માનવા તથા બિરદાવવા માટે ‘‘રાજ્ય પર્વતારોહણ પારિતોષિક’’ (State Mountaineering Award) એનાયત કરવાની યોજના અમલી બનાવી છે. જેમાં પસંદગી પામેલ પ્રત્યેક પર્વતારોહકોને રૂા.૨૫,૦૦૦/- (અંકે રૂપિયા પચ્ચિસ હજાર પુરા) નો રોકડ પુરસ્કાર, સ્મૃતિચિન્હ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાશે.
આ પારિતોષિક માટે ગુજરાતના મુળ વતની અને ભારતનું નાગરીકત્વ ધરાવનાર કે જેણે ૭૦૦૦ મીટર ઉંચાઇ એક વખત અથવા ૬૦૦૦ મીટરથી વધુ ઉંચાઇ બે વખત પાર કરેલી હોય તેવા તેમજ આ અંગેનું ઇન્ડિયન માઉન્ટેનીયરીંગ ફાઉન્ડેશન (I.M.F)ના નિયામકનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ. આ ઉપરાંત કોઇપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ન હોવાનું પોલીસ પ્રમાણપત્ર રજુ કરનાર ઉમેદવારો આ એવોર્ડ મેળવવા માટે અરજી કરવાને પાત્ર છે. આ પુરસ્કાર મરણોત્તર પણ આપવાની જોગવાઇ છે.
વધુમાં તા. ૧ જાન્યુઆરી, ૨૦૧૭ થી ૩૧-ડીસેમ્બર,૨૦૧૭ સુધીના વર્ષ માટે આ યોજના અંતર્ગત પર્વતારોહકોને વ્યક્તિગત પારિતોષિકો એનાયત કરવાના હોઇ આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા અને દર્શાવેલ લાયકાત ધરાવતા પર્વતારોહકોએ IMFનું પ્રમાણપત્ર, પોલીસનું પ્રમાણપત્ર, ફોટોગ્રાફ્સ, પેપરકટીંગ તથા અન્ય પુરાવાઓ સાથે પોતાની અરજી કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નં.૧૧, ૩જો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને ૩૧.૦૩.૨૦૧૮ સુધીમાં કચેરી સમય દરમિયાન મળે તે રીતે મોકલી આપવાની રહેશે. આ અંગેનું અરજીપત્રક પણ આજ કચેરીએથી મેળવી લેવાનું રહેશે, તેમ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.