સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટની બેઠક મળી હતી. જેમાં જુદા જુદા અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ સૌથી મહત્ત્વનો મુદ્દો પરીક્ષા લાઈવ કરવા મુદ્દો હતો. યુનિવર્સિટી દ્વારા અગાઉ પરીક્ષા દરમિયાન થતી ચોરી અટકાવવા કેન્દ્રોમાં સીસીટીવી લાઈવ કરાવ્યા હતા અને દરેક લોકો જોઈ શકે તેવી વ્યવસ્થા કરી હતી. પરંતુ હવે સિન્ડિકેટની બેઠકમાં નક્કી કરાયું હતું કે, હવે દરેક લોકો પરીક્ષા કેન્દ્રમાં શું થઇ રહ્યું છે તે નહીં જોઈ શકે. તેને યુનિવર્સિટી આવવું પડશે અને પછી ત્યાંની સિસ્ટમમાં જોઈ શકશે. જેનો એનએસયુઆઈ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને ખાનગી કોલેજ સંચાલકોના ઈશારે આ ર્નિણય લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠક મળી હતી. તેમાં પરીક્ષાના સીસીટીવી લાઈવ મુદ્દે માત્ર સત્તાધિશો અને મીડિયા વગર કોઈ અન્ય લોકો જોઈ શકશે નહીં તેવો ર્નિણય જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ કુલપતિ દ્વારા પરીક્ષાઓમાં ગેરરીતિઓ અટકકાવા સીસીટીવી ઓનલાઇન જોઈ શકાશેની મોટી મોટી જાહેરાતો બાદ માત્ર એક પરીક્ષા પૂર્ણ થતા ખાનગી કોલેજ સંચાલકોના ઈશારે અથવા તો લાખો રૂપિયાનો વહીવટથી કુલપતિ અને પરીક્ષા નિયામક આવો ર્નિણય લીધો હોય તેવો સીધો આક્ષેપ છે. આ સાથે આગામી સમયમાં આ ર્નિણય પરત ખેંચાવામાં નહીં આવે તો કોંગ્રેસના સિન્ડિકેટ અને સેનેટ સભ્યો સાથે કુલપતિને રજૂઆત કરી જરૂર પડ્યે ઉગ્ર આંદોલન પણ કરીશું.
યુનિવર્સિટીએ પરીક્ષાના સીસીટીવી લાઈવ કર્યા બાદ કેટલાક અસામાજિક તત્ત્વો વિદ્યાર્થી કઈ કોલેજમાં જાય છે, ક્યાં ક્લાસમાં છે, ક્યારે પરીક્ષા પૂરી થયા બાદ નીકળે છે તે પ્રકારનું ટ્રેકિંગ કરી રહ્યાં હોવાની ફરિયાદ મળતા હાલ દરેક લોકો માટે સીસીટીવી જોવાનું બંધ કરીને માત્ર યુનિવર્સિટી કેમ્પસમાં જ જોવાની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું છે. પરંતુ અગાઉ કરેલા ર્નિણયથી વિદ્યાર્થીઓના માતા-પિતા ગામડે બેસીને પણ સંતાનો પર નજર રાખી શકતા હતા. પરંતુ હવે યુનિવર્સિટીમાં જ સીસીટીવી જોવાનું નક્કી કરતા વાલી સહિતનાઓએ ગામડેથી યુનિવર્સિટી આવવું પડે તેવી સ્થિતિ છે.