મેલબોર્ન: મેલબોર્ન પાર્ક ખાતે રમાઇ રહેલી વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં હવે રોમાંચક સેમીફાઇનલનો તબક્કો શરૂ થનાર છે. સૌથી રોમાંચક મેચ હવે સ્પેનના મહાન ખેલાડી રાફેલ નડાલ અને કિલર તરીકે સાબિત થઇ રહેલા સિતસિપાસ વચ્ચેની મેચ રહેશે. સિતસિપાસ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપનની સેમીફાઇનલમાં પહોંચ્યો છે. તે પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમની સેમીફાઇનલમાં પહોંચીને ચર્ચા જગાવી રહ્યો છે. પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચમાં સિતસિપાસે ૨૦ ગ્રાન્ડ સ્લેમ જીતી ચુકેલા રોજર ફેડરર પર જીત મેળવી હતી. એન્ડી રોડ્ડીક બાદ સેમીફાઇનલમાં પહોંચનાર તે સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તે સર્બિયાના નોવાક જાકોવિક બાદ કોઇ ગ્રાન્ડ સ્લેમની સેમીફાઇનલમાં પહોંચનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. જ્યારે બીજી બાજુ સ્પેનના સ્ટાર ખેલાડી રાફેલ નડાલે સેમીફાઇનલમાં કુચ કરી લીધી છે.
૧૭ ગ્રાન્ડ સ્લેમ જીતી ચુકેલા અને હાલમાં દુનિયાના બીજા ક્રમના ખેલાડીએ જોરદાર રમત રમી હતી. હવે તે કિલર બનેલા સિતસિપાસની સામે ટકરાશે. તે હવે પોતાની ૧૮મી ગ્રાન્ડ સ્લેમથી માત્ર બે પગલા દુર રહી ગયો છે. રાફેલ નડાલ મેચ દરમિયાન સંપૂર્ણપણે ફિટ નજરે પડ્યો હતો. અગાઉ રાફેલ નડાલે પોતાની મેચ જીતીને આ ટુર્મામેન્ટમાં ૧૧મી વખત અને કુલ ગ્રાન્ડસ્લેમમાં ૩૭મી વખત ક્વાર્ટર ફાઈનલમાં આગેકૂચ કરી હતી. નડાલે બે કલાક અને પાંચ મિનિટ સુધી ચાલેલી મેચમાં પોતાના હરીફ ખેલાડી ચેક ગણરાજ્યના ખેલાડી ઉપર ૬-૦, ૬-૧ અને ૭-૬થી જીત મેળવીને સેમીફાઇનલમાં આગેકુચ કરી હતી. ૧૭ ગ્રાન્ડસ્લેમ જીતી ચુકેલા નડાલે અહી વર્ષ ૨૦૦૯માં ટ્રોફી જીતી હતી.
ક્વાર્ટર ફાઈનલમાં નડાલ અમેરિકાના ટીયાફો સામે જીત મેળવીને સેમીફાઇનલમાં કુચ કરી છે. જ્યારે ક્વાર્ટર ફાઈનલ મેચમાં સીતસીપાસે સ્પેનના રોબર્ટો સામે મેચ જીતીને સેમીફાઇનલમાં કુચ કરી હતી. છ વખતના ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન નોવાક જાકોવિકે ૧૯ વર્ષીય હરીફ ખેલાડી પર ૬-૩, ૬-૪, ૪-૬ અને ૬-૦થી જીત મેળવી હતી.૨૩ વખતની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન અમેરિકાની સરેના વિલિયમ્સે ચોથી ક્રમાંકિત ખેલાડી જાપાનની નાઓમી ઓસાકા પર જીત મેળવી હતી.