ઓગસ્ટા પ્રકરણ : મિશેલની કસ્ટડી ચાર દિવસ વધી ગઈ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી :  ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર ડીલ મામલામાં સીબીઆઈની ખાસ અદાલતે વચેટીયા ક્રિશ્ચિયન મિશેલ જેમ્સ (૫૭)ની કસ્ટડી ચાર દિવસ માટે વધારી દીધી છે. સીબીઆઈએ પાંચ દિવસ માટે આજે વધારાની કસ્ટડીની માંગ કરી હતી. જેની સામે ચાર દિવસની કસ્ટડી મંજુર કરવામાં આવી છે. સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલે કોર્ટમાં માહિતી આપી હતી કે મિશેલને કોસ્યુલર એક્સેસ ઉપલબ્ધ કરાવવા પર વિદેશ મંત્રાલયમાં વિચારણા ચાલી રહી છે. મિશેલની જામીન અરજી પર ૧૯મી ડિસેમ્બરના દિવસે સુનાવણી થશે. બીજી બાજુ મિશેલને સીબીઆઈ કોર્ટમાં રજુ કરતા પહેલા તેમના વકીલ જાસેફે પટીયાલા હાઉસ કોર્ટમાં રજુઆત કરી હતી.

મિશેલના ઈટાલિયન વકીલ રોઝ મેરીને પાવર ઓફ એટર્ની આપવાની માંગ કરવામાં આવી હતી. જેથી તેઓ તેમની સામે રેડ કોર્નર નોટિસને પરત લેવા માટે ઈન્ટરપોલમાં તેમનું પ્રતિનિધિત્વ કરી શકશે. રેડ કોર્નર નોટિસને પરત લેવાની જરૂર એટલા માટે છે કે મિશેલની પ્રત્યાર્પણ પહેલાથી જ કરવામાં આવી ચુકી છે. મિશેલને મળવાની માંગ પણ કરવામાં આવી હતી પરંતુ પટીયાલા હાઉસ કોર્ટે આ માગંને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે રોઝ મેરી અને જાસેફ સીબીઆઈ કસ્ટડીમાં મિશેલને મળી શકે નહીં. બીજી બાજુ રોઝ મેરીએ કોર્ટમાં કહ્યું હતું કે તેમની પાસે મામલાઓ સાથે જાડાયેલા દસ્તાવેજ છે અને તે કોર્ટમાં જમા કરવા માટે ઈચ્છુક છે.

મિશેલને ચોથી ડિસેમ્બરના દિવસે પ્રત્યાર્ણ કરીને દુબઈ મારફતે ભારતમાં લવાયો હતો. છઠ્ઠી ડિસેમ્બરના દિવસે સુનાવણી દરમિયાન મિશેલને સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. મિશેલને ભારતમાં લાવવામાં આવ્યા બાદથી ભાજપ અને કોંગ્રેસના નેતા એકબીજા ઉપર આક્ષેપબાજી કરી રહ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું છે કે રાફેલ ડીલમાં થયેલા કૌભાંડથી ધ્યાન ખેંચવા માટે મિશલનો ઉપયોગ થઈ રહ્યો છે.

Share This Article