ભારતે ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. ભારતે ચીનને કહ્યું છે કે વાસ્તવિક નિયંત્રણ રેખાને એકપક્ષીય રીતે બદલવાના ચીનના પ્રયાસોને ભારત સહન નહીં કરે. હકીકતમાં, વિદેશ મંત્રી ડૉ. જયશંકરે રાજ્યસભામાં ‘ભારતની વિદેશ નીતિમાં તાજેતરના વિકાસ’ પર સંબોધન કર્યું હતું. સંસદમાં તેમણે ચેતવણી આપી હતી કે જો ચીન સરહદી વિસ્તારમાં સૈન્ય બનાવવાનું ચાલુ રાખશે તો તેની બંને દેશોના સંબંધો પર ગંભીર અને વિપરીત અસર પડશે. આ સાથે સંબંધો સામાન્ય રહેશે નહીં. વિદેશ મંત્રી ડૉ. જયશંકરે રાજ્યસભામાં કહ્યું, ‘રાજનૈતિક રીતે અમે ચીનને સ્પષ્ટ કરી દીધું છે કે અમે LACમાં એકપક્ષીય ફેરફાર કરવાના પ્રયાસોને સહન નહીં કરીએ.
જો તેઓ સરહદી વિસ્તારમાં ગંભીર ચિંતા પેદા કરતા કામો કરતા રહેશે તો અમારા સંબંધો સામાન્ય નહીં રહી શકે. આ સિવાય તેમણે રાજ્યસભામાં કહ્યું, ‘અમે અમારી કંપનીઓને રશિયન તેલ ખરીદવા માટે નથી કહેતા. અમે તેમને તેમના માટે શ્રેષ્ઠ વિકલ્પ શું છે તે ખરીદવા માટે કહીએ છીએ. તે બજાર પર આધાર રાખે છે. તે સમજદાર નીતિ છે કે આપણે ભારતીય લોકો માટે સારો સોદો ક્યાંથી મેળવીએ. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સંસદમાં કહ્યું, ‘જ્યાં સુધી ગણતંત્ર દિવસની ઉજવણીનો સવાલ છે, અમે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે. તેમણે નમ્રતાપૂર્વક આમંત્રણ સ્વીકાર્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ઓક્ટોબરમાં વિદેશ મંત્રીએ ચીનના રાજદૂત સન વેઈડોંગ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ચીનના રાજદૂતને કહ્યું હતું કે જો દ્વિપક્ષીય સંબંધો જાળવી રાખવા હોય તો સરહદ પર શાંતિ હોવી જરૂરી છે. આ બેઠક બાદ તેમણે ટ્વીટ પણ કર્યું – “ભારત-ચીન સંબંધોનું સામાન્યકરણ બંને દેશો, એશિયા અને વિશ્વના વ્યાપક હિતમાં છે.”