મહારાષ્ટ્રના પુણેમાં ગુગલની ઓફિસને બોમ્બથી ઉડાવાની ધમકી મળતા ATS એલર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મહારાષ્ટ્રના પૂણેમાં આવેલી ગૂગલ ઓફિસને બોમ્બની ધમકી મળી છે. જેના પછી મુંબઈ પોલીસ એલર્ટ મોડ પર છે. આ ગૂગલ ઓફિસ પુણેના કોરેગાંવ પાર્ક વિસ્તારમાં આવેલી છે. ખરેખર, એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈ પોલીસને ફોન કરીને કહ્યું હતું કે ઓફિસમાં બોમ્બ છે. બાદમાં આ માહિતી મુંબઈ પોલીસે પુણે પોલીસને આપી હતી. આ મામલે કાર્યવાહી કરતી વખતે પોલીસે હૈદરાબાદના એક વ્યક્તિની અટકાયત કરી છે.

મળતી માહિતી મુજબ, ધમકી આપનારે પોતાનું નામ પણયમ શિવાનંદ જણાવ્યું હતું. તેણે ફોન પર એમ પણ કહ્યું કે તે હૈદરાબાદમાં રહે છે. ફોન કરનારે લેન્ડલાઈન નંબર પર કોલ કર્યો હતો. પોલીસે આ કેસ સાથે જોડાયેલી તમામ માહિતી પુણે પોલીસને આપી દીધી છે, જેથી તેઓ પણ તપાસ કરી શકે છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસને હજુ સુધી ઓફિસમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. દરમિયાન, કોલ કરનારની પોલીસે હૈદરાબાદમાં ધરપકડ કરી છે. મુંબઈ પોલીસની એક ટીમ પણ તેલંગાણામાં છે અને ફોન કરનારને મુંબઈ લાવવાની તૈયારીઓ કરવામાં આવી છે. અત્યાર સુધી એ બહાર આવ્યું નથી કે કોલ કરવા પાછળ વ્યક્તિનો હેતુ શું હતો. પોલીસે ફોન કરનાર સામે IPCની કલમ ૫૦૫ (૧) (B) અને ૫૦૬ (૨) હેઠળ કેસ નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, અગાઉ NIA મુંબઈ ઓફિસમાં ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તાલિબાન સાથે જોડાયેલી વ્યક્તિ મુંબઈમાં હુમલો કરશે. ત્યારથી મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એલર્ટ પર છે. પોલીસે NIA દ્વારા મળેલી ધમકીની ઝડપથી તપાસ કરી અને જાણવા મળ્યું કે મેલ મોકલનારનું IP (ઇન્ટરનેટ પ્રોટોકોલ) સરનામું પાકિસ્તાનનું હતું. ગયા મહિને પણ આવો મેઈલ મોકલવામાં આવ્યો હતો. પોલીસને આમાં કોઈ તથ્ય મળ્યું નથી. પોલીસને આશંકા છે કે કોઈએ શરારત કરવા માટે આ કર્યું હશે.

Share This Article