આગામી સમયમાં હવે એટીએમમાંથી પૈસા નિકાળવા માટે વધુ ખર્ચ કરવો પડી શકે છે. દેશની વિવિધ બેંકોએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને પત્ર લખીને એટીએમમાંથી પૈસા નિકાળવા માટેના ચાર્જમાં વધારો કરવાની પરવાનગી માંગી છે. જો બેંકોની આ પરવાનગી આપવામાં આવશે તો ગ્રાહકોએ એટીએમમાંથી પૈસા નિકાળવા માટે વધુ ચાર્જ ચૂકવવો પડશે. રિઝર્વ બેંકે તમામ બેંકોને પોતાના એટીએમ અપગ્રેડ કરવા માટે કહ્યું છે. તેનો પહેલો તબક્કો આ વર્ષે ઓગસ્ટમાં પૂર્ણ થશે. એટીએમ અપગ્રેડ કરવાથી બેંકો પર ખર્ચ વધશે, જે બેંકો હવે ગ્રાહકો પાસેથી વસૂલવાનું પ્લાનિંગ કરી રહી છે.
બેંકિંગ સૂત્રોએ જણાવ્યું કે એટીએમ અપગ્રેડેશનનો ખર્ચ વસૂલવા માટે બેંકો એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ બે રીતે વધારી શકે છે. તેઓ ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ જે ૧૮ રૂપિયા ચાર્જ લેવામાં આવે છે તેમાં વધારો કરી શકે છે અથવા એટીએમ ફ્રી ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં ઘટાડો કરી શકે છે. હાલમાં કોઈ બેંકે ૩ અને કોઈ બેંકે ૫ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપી રહી છે. ત્યાર બાદના ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લેવામાં આવે છે.
છેલ્લા ઘણા સમયથી એટીએમમાંથી ફ્રોડ અને હેકિંગની ફરિયાદો વધી રહી છે, જેને ગંભીરતાથી લેતા રિઝર્વ બેંક ઓફ ઇંડિયાએ તમામ બેંકોને એટીએમ અપગ્રેડ કરવા માટે કહ્યું છે. તેની ડેડલાઈન ૬ તબક્કામાં આપવામાં આવી છે. પહેલા તબક્કાની ડેડલાઈન ઓગસ્ટ ૨૦૧૮ છે, જ્યારે છેલ્લી ડેડલાઈન જૂન ૨૦૧૯ના રોજ પૂર્ણ થશે.