નવી દિલ્હી : પૂર્વ સાંસદ અને ગેંગસ્ટર અતિક અહેમદ અન તેમના સાથીઓ દ્વારા વેપારીના અપહરણ અને તેમને હેરાન પરેશાન કરવાના મામલામાં સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લીધી છે. સીબીઆઈને તપાસના નિર્દેશ પણ કરવામાં આવી ચુક્યા છે. આની સાથે જ મુખ્ય ન્યાયમૂર્તિના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટની બેંચે અતિક અહેમદને ઉત્તરપ્રદેશની જેલમાંથી ગુજરાત જેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ કર્યો છે. આની સાથે જ અતિક અહેમદને મોટો ફટકો પડી ગયો છે. દેવરિયાની જેલમાં રહેલા પૂર્વ સાંસદ અતિક અહેમદ ઉપર આક્ષેપ છે કે, તેમના ઇશારા પર લોકોએ આલમબાગના રિયલ એસ્ટેટ કારોબારી મોહિત જયસ્વાલને ૨૬મી ડિસેમ્બરના દિવસે તેમની ગાડી સાથે તેમનું અપહરણ કરી લીધું હતું.
એવો આક્ષેપ છે કે, મોહિતને દેવરિયા જેલમાં લઇ જઇને બેરેકમાં માર મારવામાં આવ્યા હતા. સાથે સાથે તેમના માથા પર બંદૂક મુકીને તેમની કંપનીઓના માલિકી હક બે યુવકોના નામ પર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા ત્યારબાદ જાનથી મારી નાંખવાની ધમકી આપીને ગાડી પણ આંચકી લેવામાં આવી હતી. કારોબારી શુક્રવારે રાત્રે કૃષ્ણાનગર કોતવાલી પહોંચ્યા હતા અને અતિક અહેમદ, તેમના પુત્ર ઉંમર સહિત ૧૨ લોકોની સામે ફરિયાદ દાખલ કરાવી હતી.
મામલો સપાટી ઉપર આવ્યા બાદ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં જેલમાં રહેલા બાહુબલી નેતા અતિક અહેમદની જેલ પણ બદલી દેવામાં આવી છે. અતિકને હવે સેન્ટ્રલ જેલ પ્રયાગરાજમાં મોકલી દેવાનો આદેશ કરાયો છે. નૈની અને પ્રયાગરાજ વિસ્તારમાં અતિક પ્રભુત્વ ધરાવે છે. આ વિસ્તારમાં ૧૨મી મેના દિવસે મતદાન થશે. સુપ્રીમ કોર્ટે હવે અતિકને ઉત્તરપ્રદેશથી ગુજરાતની જેલમાં મોકલી દેવાનો કડક આદેશ જારી કરી દીધો છે.