નવી દિલ્હી: ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના હવે ભાજપ હેડ ક્વાર્ટસ ખાતે અંતિમ દર્શન કરવામાં આવી રહ્યા છે. વાજપેયી બપોર બાદ અંતિમ અનંત સફર માટે નિકળશે. વાજપેયીના પાર્થિક શરીરને તેમના આવાસ પર રાખવામાં આવ્યા બાદ હવે ભાજપ હેડ ક્વાર્ટર ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યા પણ તેમના સમર્થકો તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે હાજર રહ્યા છે.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગઇકાલે બપોર બાદ એમ્સમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. તેઓ ૯૩ વર્ષના હતા. વાજપેયીને યુરિન ઇન્ફેક્શન અને કિડની સંબંધિત તકલીફના કારણે ૧૧મી જૂનના દિવસે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડાયાબિટીસની તકલીફ પણ તેમને હતી. વાજપેયી છેલ્લા ઘણા સમયથી એક જ કિડની પર ચાલી રહ્યા હતા. શરીરના અનેક ભાગ વધતી વયના કારણે કામ કરવાનું બંધ કરી ચુક્યા હતા. છેલ્લા બે દિવસથી તેમની તબિયત ખુબ બગડી ગઈ હતી. ત્યારબાદથી જ તેમના આરોગ્યને લઇને કોઇ આઘાતજનક સમાચાર આવશે તેને લઇને છેલ્લા ૨૪ કલાકથી લોકો ચિંતિત રીતે વિચારી રહ્યા હતા અને આખરે આંજે પાંચ વાગે ચિંતા મુજબ જ નિરાશાજનક સમાચાર આવ્યા હતા અને વાજયેપીના અવસાન અંગેના સમાચાર જાહેર કરવામાં આવ્યા હતા.
છેલ્લે ૨૦૧૫માં તેમનો ફોટો સપાટી ઉપર આવ્યો હતો જ્યારે તેઓ ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના આવાસ ઉપર જઇને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. છેલ્લા ૯ સપ્તાહથી એમ્સમાં તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકથી લાઇફ સપોર્ટ સિસ્ટમ ઉપર હતા. આઈસીયુમાં તબીબોની ટીમ દ્વારા બચાવવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ ૯૩ વર્ષીય વાજપેયીને બચાવી શકાયા ન હતા. ૨૦૦૯માં સ્ટ્રોકનો હુમલો થયા બાદ તેમની વિચારવાની શક્તિ ખતમ થઇ ગઇ હતી. ત્યારબાદ ડિમેન્શિયાથી ગ્રસ્ત થઇ ગયા હતા. જેમ જેમ તેમની તબિયત ખરાબ થતી ગઇ તેમ તેમ તેઓ પોતાને સાર્વજનિક જીવનથી દૂર કરતા ગયા હતા. વાજપેયી ત્રણ વખત વડાપ્રધાન રહ્યા હતા. પહેલી વખત ૧૯૯૬માં વડાપ્રધાન બન્યા હતા જ્યારે તેમની સરકાર ૧૩ દિવસ સુધી ચાલી હતી. ૧૯૯૮માં બીજી વખત વડાપ્રધાન બન્યા હતા જ્યારે તેમની સરકાર ૧૩ મહિના ચાલી હતી. ૧૯૯૯માં વાજપેયી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હતા અને તે વખતે પાંચ વર્ષની અવધિ પૂરી કરી હતી. પાંચ વર્ષની અવધિ પૂર્ણ કરનાર વાજપેયી પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન તરીકે રહ્યા હતા.