નવી દિલ્હી : દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને આજે તેમના જન્મદિવસ પર યાદ કરવામાં આવી રહ્યા છે. તેમને શ્રદ્ધાંજલિ સ્વરૂપમાં કેટલાક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. વાજપેયીના યશસ્વી અને તેજસ્વી વ્યક્તિત્વને દેશના લોકો ક્યારેય ભુલી શકશે નહીં. તેમનાથી લોકોને હમેંશા પ્રેરણા મળતી રહેશે. વિરોધી લોકો પણ વાજપેયીને સાંભળી લેવા માટે હમેંશા ઉત્સુક રહેતા હતા. શબ્દના જાદુગર તરીકે તેમને લોકો ગણે છે. ૨૫મી ડિસેમ્બર ૧૯૨૪ના દિવસે જન્મેલા વાજપેયીનુ ૧૬મી ઓગષ્ટ ૨૦૧૮ના દિવસે અવસાન થયુ ત્યારે દેશના લોકો આઘાતમાં ગરકાવ થઇ ગયા હતા.
વાજપેયી એવા નેતા તરીકે હતા જે વિપરિત વિચારધારાના લોકોને એક સાથે લઇને ચાલ્યા હતા. સાથે સાથે ગઠબંધન કરીને મજબુત સરકાર બનાવી હતી. વાજપેયી પોતાની ટિકા સાંભળી લેવાની હિમ્મત રાખતા હતા. અટલ બિહારી વાજપેયીનો જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૨૪ના દિવસે ગ્વાલિયરમાં થયો હતો. વાજપેયી આજીવન બેચલર તરીકે રહ્યા હતા. પરંતુ પુત્રી નમીતાને તેઓ દત્તક તરીકે લીધી હતી.નાની વયમાં જ વાજપેયીએ બ્રિટીશ શાસનનો વિરોધ કરવા બદલ જેલની સજા પણ ભોગવી હતી. વડાપ્રધાન તરીકેની તેની સેવા અભૂતપૂર્વ રહી હતી. વાજપેયી ભારતના ત્રણ વખત વડાપ્રધાન બન્યા હતા. મે ૧૯૯૬માં વડાપ્રધાન તરીકેની તેમની પ્રથમ અવધિ ટૂંકી રહી હતી.
પ્રથમ અવધિ ૧૫ દિવસની રહી હતી. જ્યારે બીજી અવધિ ૧૯૯૮માં શરૂ થઈ હતી પરંતુ આ અવધિ ૧૩ મહિના સુધી ચાલી હતી. તે વખતે સ્વ. જયલલિતાએ ટેકો પાછો ખેંચી લીધો હતો. તેમની ત્રીજી અવધિ ૧૯૯૯માં શરૂ થઈ હતી જે સંપર્ણ પાંચ વર્ષ સુધી ચાલી હતી. તેમની સંસદીય કારકિર્દી પાંચ દશક સુધી રહી હતી. તેઓ લોકસભામાં ૧૦ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. જ્યારે રાજ્યસભામાં બે વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.