ભારત રત્ન અટલ બિહારી વાજપેયી આજે અમારી વચ્ચે રહ્યા નથી પરંતુ તેમની કામગીરી અને તેમના વિરાટ વ્યક્તિત્વને કોઇ પણ ભારતીય ક્યારેય ભુલી શકે તેમ નથી. પહેલા ૧૩ દિવસ, ત્યારબાદ ૧૩ મહિના અને છેલ્લે એક પૂર્ણ અવધિ. વડાપ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયીનો આજ ઇતિહાસ રહ્યો છે. પરંતુ આ તો માત્ર અવધિની વાત થઇ છે. આ અવધિમાં જે કામો વાજપેયીએ કર્યા હતા તેના મુલ્યાંકન માટે તો સમયને પણ સમય કાઢીને બેસવાની જરૂર પડશે. આ એવા કામ નથી જે ફરતા ફરતા પણ પૂર્ણ કરી લેવામાં આવે. જો રાજકીય કદ, વડાપ્રધાન તરીકે લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણય અને સર્વસ્વીકાર્યતા આ તમામ ત્રેણય કસૌટી પર તેમને જોવામાં આવે તો દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરુ અને અટલ બિહારી વાજપેયી વચ્ચે કોઇ વડાપ્રધાન આવી શકે તેમ નથી.
જો પંડિત નહેરુએ આધુનિક ભારતની આધારશીલા મુકી હતી તો વાજપેયીએ એક પરમાણુ સક્ષમ દેશ બનાવવા માટે કોઇ કમી રાખી ન હતી. પરમાણુ સક્ષમ દેશ તરીકેની પ્રતિષ્ઠા ભારતે આના કારણે હાંસલ કરી લીધી હતી. ભારતને સર્વોચ્ચ શિખર પર પહોંચાડી દેવામાં વાજપેયીની ભૂમિકા હતી. કાશ્મીરનો મામલો એવા મામલો હતો જે ભારતની સૌથી મોટી સમસ્યા હજુ પણ છે. જેના કારણે દેશના તમામ વડાપ્રધાન સંઘર્ષ કરતા રહ્યા છે. પરંતુ એતો વાજપેયી જ હતા જે ઇન્સાનિયત, જમ્હુરિયત અને કાશ્મીરિયતના રૂપમાં તેને જાઇને એક વ્યાપક વલણ રાખતા હતા. આ મામલા સાથે જોડાયેલા તમામ પક્ષો માટે આ બાબત દાખલારૂપ બની ગઇ છે. વાજપેયીની લાંબી રાજકીય કેરિયરમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો જોડાયેલી છે. એક સાંસદ તરીકે તેમના ભાષણની અસર એનાથી સમજી શકાય છે કે લોકસભા સભ્ય તરીકે તેમની પ્રથમ અવધિમાં તેમના ભાષણને સાંભળીને પંડિત નહેરુએ કહ્યુ હતુ કે તે દેશના વડાપ્રધાન તરીકે એક દિવસ ચોક્કસપણે બનશે. વિપક્ષના નેતા તરીકે સરકારની કામગીરીની પ્રશંસા કરવાનો રેકોર્ડ પણતેમના જ નામ પર રહ્યો છે. આજે પણયાદ કરવામાં આવે છે જ્યારે બાંગ્લાદેશ યુદ્ધમાં જીત બાદ તેઓએ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરાગાંધીને દુર્ગાના રૂપમાં છે તેમ કહ્યુ હતુ. ૯૦ના દશકમાં જ્યારે તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિંહ રાવ દ્વારા યુએન સંબોધન માટે તેમની પસંદગી કરી ત્યારે વાજપેયી સરકાર ક્રેડિટ લઇ જશે તેને લઇને પણ ખચકાટ અનુભવ કર્યો ન હતો.
મહત્વપૂર્ણ અવસર પર સંકુચિતતાથી ઉપર ઉઠીને તેઓએ જે કુશળતા દર્શાવી હતી તેના કારણે વિદેશમાં પણ તેમનુ સન્માન હતુ. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગયા વર્ષે ૧૬મી ઓગષ્ટના દિવસે એમ્સમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. તેઓ ૯૩ વર્ષના હતા. વાજપેયીને યુરિન ઇન્ફેક્શન અને કિડની સંબંધિત તકલીફના કારણે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડાયાબિટીસની તકલીફ પણ તેમને હતી. છેલ્લે ૨૦૧૫માં તેમનો ફોટો સપાટી ઉપર આવ્યો હતો જ્યારે તેઓ ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના આવાસ ઉપર જઇને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. ૨૦૦૯માં સ્ટ્રોકનો હુમલો થયા બાદ તેમની વિચારવાની શક્તિ ખતમ થઇ ગઇ હતી.
ત્યારબાદ ડિમેન્શિયાથી ગ્રસ્ત થઇ ગયા હતા. જેમ જેમ તેમની તબિયત ખરાબ થતી ગઇ તેમ તેમ તેઓ પોતાને સાર્વજનિક જીવનથી દૂર કરતા ગયા હતા. વાજપેયી ત્રણ વખત વડાપ્રધાન રહ્યા હતા. પહેલી વખત ૧૯૯૬માં વડાપ્રધાન બન્યા હતા જ્યારે તેમની સરકાર ૧૩ દિવસ સુધી ચાલી હતી. ૧૯૯૮માં બીજી વખત વડાપ્રધાન બન્યા હતા જ્યારે તેમની સરકાર ૧૩ મહિના ચાલી હતી. ૧૯૯૯માં વાજપેયી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હતા અને તે વખતે પાંચ વર્ષની અવધિ પૂરી કરી હતી.
પાંચ વર્ષની અવધિ પૂર્ણ કરનાર વાજપેયી પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન તરીકે રહ્યા હતા. જ્યારે વાજપેયી વડાપ્રધાન તરીકે હતા ત્યારે જ ભારતે પરમાણુ પરીક્ષણ કર્યા હતા. લાહોર સમજુતી કરી હતી. પાકિસ્તાન સાથે સંબંધોને સુધારી દેવા માટે બસમાં બેસીને લાહોર ગયા હતા. સાથે સાથે કારગીલ યુદ્ધમાં જીત વેળા તેઓ દેશના વડાપ્રધાન હતા.